fbpx
અમરેલી

અમરેલી પશુપાલન ખાતા દ્વારા ૧૦૦ દિવસમાં ૧૮૫ પશુ આરોગ્ય મેળાઓ યોજવાનું આયોજન

છેલ્લા ૧૨ દિવસમાં જિલ્લાના ૫૨ ગામોમાં કુલ ૩૩ જેટલા પશુ આરોગ્ય મેળાઓ યોજાયા

૯૪૬ પશુપાલકોના ૨૨૫૬૩ પશુઓને તબીબી સારવાર અને ૧૫૯૦ જેટલા પશુઓમાં રસીકરણ કરાયું

રાજ્ય સરકાર પશુઓના આરોગ્ય પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહી છે. પશુઓને સારી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે અમરેલી પશુપાલન ખાતા દ્વારા ૧૦૦ દિવસમાં ૧૮૫ પશુ આરોગ્ય મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ૧૦૦ દિન કાર્યક્રમ અંતર્ગત તા.૦૧/૧૦/૨૦૨૧ થી આગામી ૧૦૦ દિવસ દૈનિક ઓછામાં ઓછા એક પશુ આરોગ્ય મેળાનું આયોજન અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાના જુદા જુદા ગામોમાં કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ વાત કરતા અમરેલી જિલ્લા પશુપાલન અધિકારી ડો. ટી. સી. ભાડજા જણાવે છે કે ગત ૧ ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલા આ દૈનિક પશુ આરોગ્ય મેળાઓ આગામી ૧૦૦ દિવસ સુધી જિલ્લાના વિવિધ તાલુકા કે ગ્રામ્ય સ્થળે યોજાનાર છે. ૧૦૦ દિવસની કામગીરીના ભાગરૂપે આજદિન સુધી અમરેલી જિલ્લામાં કુલ ૨૯ પશુ આરોગ્ય મેળા યોજવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના કુલ ૫૨ ગામોના ૯૪૬ પશુપાલકોના કુલ ૨૨૫૬૩ જેટલા પશુઓને વિવિધ તબીબી સારવાર અને ૧૫૯૦ જેટલા પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાને ચાલુ વર્ષે ફાળવવામાં આવેલો ૧૮૫ નો લક્ષાંક આ કાર્યક્રમ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. અમરેલી જિલ્લાના તમામ પશુપાલકો આ પશુ આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે પશુ આરોગ્ય મેળાઓમાં પશુઓ માટે સર્જરી, ગાયનેકોલોજી, કૃમિની રસીઓ તેમજ લોહી ચકાસણીની લેબની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમજ પશુપાલકો માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રદર્શનોનું આયોજન પણ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts