અમરેલી

અમરેલી માહિતી કચેરીના જી. વી. દેવાણીને ભાવસભર વિદાયમાન અપાયું

દેવાણીને કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી

અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં જી.વી. દેવાણી વયનિવૃત્ત થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી. માહિતી ખાતામાં ૩૭ વર્ષ સેવા આપી વયનિવૃત્ત થનાર શ્રી દેવાણીને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વર્ષ ૧૯૮૪માં મહેસાણા ખાતે સરકારી સેવામાં જોડાયા બાદ જી. વી. દેવાણીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી હતી. અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજના લાંબા સેવાકાળ બાદ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે વયનિવૃત્ત થયા હતા. આ વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા શ્રી દેવાણીને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ કરવામાં આવી. સહકર્મીઓ દ્વારા યાદગીરીરૂપે શ્રી દેવાણીને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અમરેલી માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સુશ્રી સોનલ જોશીપુરાએ જણાવ્યું કે, કચેરી કામને સમયસર અને જવાબદારીપૂર્વક નિભાવનાર શ્રી જી. વી. દેવાણી જેવા કર્મયોગીની ખોટ વર્તાશે. વયમર્યાદા અને પ્રક્રિયાના ભાગરૂપે નિવૃત્તિ અનિવાર્ય છે ત્યારે શ્રી દેવાણીનું નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને નિરામય રહે તેવી શુભકામના આપુ છું.

સતત કાર્યરત, નિયમિત, સાલસ અને મળતાવળા સ્વભાવના શ્રી દેવાણીએ જણાવ્યું કે, સરકારી નોકરીમાં આટલા વર્ષોની સેવા સહકર્મીઓના સહયોગને આભારી છે. સાથે જ જિલ્લાના સ્ટાફમિત્રોનો પણ હંમેશા સહયોગ રહ્યો છે. શ્રી દેવાણી નિવૃત્તિ બાદ પણ મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત શ્રી દેવાણીએ માહિતી ખાતા સાથેના પોતાના સેવાકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક એચ. બી. દવે અને સહાયક માહિતી નિયામક શ્રી જગદીશ સત્યદેવ તથા અમરેલી કચેરીના સુમિત ગોહિલએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તેમજ મુકેશભાઈ ભટ્ટએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

જી.વી. દેવાણીની સાથે સાથે આજે અમરેલી માહિતીના પટ્ટાવાળા બી. એસ. બસિયા પણ વયનિવૃત થતા અમરેલી માહિતી કચેરીના અને રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે અમરેલી માહિતી કચેરીના શ્રી પાથરભાઈ, ધડૂકભાઈ, પીપળીયાભાઈ, મનસુખભાઇ, શારદાબેન અને વાઘેલાભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts