અમરેલી શહેરમાં જંગલી શિયાળનું બચ્ચું આવી ચડતા અફડાતફડી સર્જાઈ, વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું
અમરેલી જિલ્લાની આસપાસ ગીર અને બૃહદગીર વિસ્તારમાં વન્યપ્રાણી અને પશુ પક્ષી ખૂબ વધી રહ્યા છે. ત્યારે હવે જંગલી પ્રાણીઓ અને વન્યપ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ વળ્યાં છે. જેમાં આજે ગુરૂવારે અમરેલી શહેરમાં આવેલી કન્યાશાળા પાસે એક શૌચાલયમાં જંગલી શિયાળનું બચ્ચું આવી ચડ્યુ હતું. જો કે આ બચ્ચું આવતા અહીં અફડાતફડી સર્જાઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા વનવિભાગની ટીમને જાણ કરાતાં વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતું.
નોંધનીય છે કે અમરેલી શહેરમાં જંગલી શિયાળનું બચ્ચું આવી ચડતાં વનવિભાગ પણ થોડીવાર ચોંકી ઉઠ્યું હતુ. ત્યારબાદ વનવિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આ બચ્ચાને જોવા લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ બચ્ચું ખૂબ જ ચાલાક હોવાને કારણે મહામુસીબતે જાળ અને પાંજરાની મદદથી રેસ્કયુ ઓપરેશન સફળ થયુ હતુ. રેસ્કયુ ઓપરેશન બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમરેલી વનવિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ફરી આ બચ્ચાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. પરંતુ આજે પ્રથમ વખત શહેરી વિસ્તારમાં શિયાળનું બચ્ચુ આવતા લોકોમાં ભયની સાથે આશ્ચર્યની લાગણી જોવા મળી હતી.
Recent Comments