અમરેલી શહેર વિસ્તાર માટે દેવ-દિવાળીના શુભ દિને સરકાર દ્વારા વર્ષની પ્રથમ ભેટ, સેન્ટર પોઇન્ટથી ઠેબી ડેમના પાળા સુધી ૧૧ કરોડના ખર્ચે સી.સી રોડ ખાસ કિસ્સામા મંજૂર
અમરેલી : અમરેલીના યુવા અને ઉર્જાવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી શહેરિજનોની વર્ષો જૂની માંગણી સરકારમાંથી મંજૂર કરાવી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના અમરેલી શહેરમાંથી પસાર થતા અંદાજિત બે કિલોમીટરથી વધુ લંબાઈવાળા સેન્ટર પોઇન્ટ થી ઠેબી ડેમના પાળા સુધીનો સી.સી રોડ તથા ગટર સહિતની આનુસંગિક કામગીરી સાથે માતબર રકમ ૧૧ કરોડ જેટલી મંજૂર કરાવી છે.
અમરેલીના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની રજૂઆતથી માર્ગ મકાન વિભાગના સામન્ય વાર્ષિક આયોજન બહારના આ રસ્તાની કામગીરીને વોટર ઓવર-ટોપિંગ થતા રસ્તા પર સી.સી રોડની યોજના હેઠળ ખાસ કિસ્સામા રાજયના મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના કર્મશીલ ધારાસભ્ય કૌશિક વેકરિયાની પ્રજાલક્ષી રજૂઆતને રાજ્ય સરકારની મંજૂરીની મહોર લાગતા ટૂંક સમયમાંજ આ કામો શરુ કરવામાં આવશે.
અમરેલી શહેરમાંથી ચિતલ, બાબરા તથા રાજકોટ તરફ જવા માટે આ ઠેબી ડેમ તરફ જવાનો મુખ્ય માર્ગ હોય તથા ચોમાસા દરમિયાન પાણી ભરવાનો પ્રશ્ન રહેતો હોય તેમજ સ્થાનિક લોકોની રજુઆતને ધ્યાને લઇ ધારાસભ્યશ્રીએ રાજયના મુખ્યમંત્રીશ્રીને આગ્રહપૂર્વક રજૂઆત કરી હતી. જેનો સાનુકૂળ પ્રતિસાદ આપી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામ માટે જોબ નંબર ફાળવી રૂપિયા ૧૧ કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી છે.ઉપરોકત અમરેલી ચિતલ બાબરા રોડ પૈકી ૩૧/૪૦૦ થી ૩૩/૪૦૦ સીટી પોર્શનમા સેન્ટર પોઈન્ટથી ડેમના પાળા સુધી પાણીના નિકાલ માટે ગટર તેમજ સી.સી રોડની કામગીરી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરાતા ધારાસભ્યશ્રી કૌશિક વેકરિયાએ અમરેલીની પ્રજા વતી તેમનો આભાર વ્યક્ત કર્યો છે. વધુમાં આગામી દિવસોમાં આ કામો ત્વરિત હાથ ધરી પૂર્ણ કરવામાં આવશે. આમ કર્મશીલ ધારાસભ્યના કર્મયોગ થકી અમરેલી શહેરીજનોને દેવ-દિવાળી નિમિત્તે સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવેલ છે
Recent Comments