અમરેલી સોરઠીયાની સાહિત્ય સૃષ્ટિ મોબાઇલ એપના લોકાર્પણ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજીનું મનનીય વક્તવ્ય
ધર્મ વિજ્ઞાનને ન સ્વીકારે તે મ્યુઝીયમના પ્રદર્શન જેવો જોવાલાયક બને પણ કોઇ કામ ન લાગે, ધર્મ વિજ્ઞાનનો સ્વીકાર કરે : સંસ્કારી માતા હોય તો ઘર નાનુ ગુરૂકુળ જ છે. પત્રકાર શિક્ષક અને સાધુ ખરીદી ન શકાય તેવો હોવો જોઇએ : આજે મિડીયાએ સમયને અનુરૂપ દ્રષ્ટિ રાખવી પડશે : દુનિયા નેટમાં અટવાઇ છે તેને આપણા વેદ જ ભેદી શકશે.
પત્રકારની તટસ્થતા એટલે શું ? જો શાસક સારૂ કામ કરે તો તેને બિરદાવવા જોઇએ પણ ભુલ કરે તો કાન પણ પકડવા જોઇએ તેને તટસ્થતા કહેવાય : લેખક પત્રકાર શ્રી કૌશીક મહેતાએ આપી સાચી વ્યાખ્યા અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણે “મારૂ માથુ ભાંગ તેવો થા’ તેવા આશિર્વાદ પણ સ્વ. ગોરધનબાપાએ આપ્યા હોવાનો પ્રસંગ યાદ કરી શ્રી સોરઠીયાના સર્જનને ઇ સ્વરૂપે મુકનાર પરિવારને બિરદાવ્યો.
અમરેલી ખાતે જેને સાંભળવા તે જીવનનો લ્હાવો ગણાય તેવા સંત અને એસજીવીપી ગુરૂકુળ છારોડીના સ્થાપક પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી આજે અમરેલી ખાતે પધાર્યા હતા અને અમરેલીમાં દાદા ભગવાનના મંદિર ખાતે જિલ્લાનાં લેખક પત્રકાર સ્વ. ગોરધનદાસ સોરઠીયાના પુસ્તકોને ઇ-બુક સ્વરૂપે બનાવી મોબાઇલ એપ સોરઠીયાની સાહિત્ય સૃષ્ટિના લોકાર્પણ પ્રસંગે તેમણે ઉપસ્થિત અમરેલીવાસીઓને મનનીય વક્તવ્ય આપ્યુ હતુ.
નિડર પત્રકાર શ્રી ગોરધનદાસ સોરઠીયાનાં સંસ્મરણો વાગોળતા તેમણે સાંપ્રત પ્રવાહો મિડીયા અને સાધ્ાુ વિશે ટુંકી પણ સચોટ વ્યાખ્યાઓ આપી હતી તેમણે જણાવ્યુ હતુ કે આજના સમયમાં સાધ્ાુએ અપ ટુ ડેટ નહી પણ અપડેટ રહેવુ જોઇએ કારણકે જે ધર્મ વિજ્ઞાનને ન સ્વીકારે તે મ્યુઝીયમ જેવો બની જાય છે તે જોવાલાયક તો રહે છે પણ કોઇ કામ ન લાગે ધર્મે વિજ્ઞાનનો સ્વીકાર કરવો જોઇએ પશ્ર્ચિમના લોકો ભારતને અંધકારનો દેશ ગણતા હતા પણ જે જમાનામાં પશ્ર્ચિમના લોકો જંગલોમાં રહેતા હતા ત્યારે ભારત વર્ષ જ્ઞાનનાં અંજવાળામાં ઝળહળતુ સર્વોચ્ચ શિખરે હતુ તેનું દરેક ભારતીયોએ ગૌરવ લેવુ જોઇએ.
જો માતા સંસ્કારી હોય તો દરેક ઘર એક નાના ગુરૂકુળ સમાન છે આજના યુગમાં પત્રકારોએ સમયને અનુરૂપ દ્રષ્ટિ રાખવી પડશે પત્રકાર, શિક્ષક અને સાધુ ખરીદી ન શકાય તેવો હોવો જોઇએ જો તે ખરીદાય તો ડ્રાઇવર જોલે ચડે તેવો ઘાટ ઘડાશે વર્તમાન સમયમાં દુનિયા નેટમાં (ઇન્ટરનેટ) માં અટવાઇ છે તે નેટને વેબમાં જઇ આપણા વેદ જ ભેદી શકશે. શ્રી ગોરધનદાસ સોરઠીયાનું વેદ વિશેનું જ્ઞાન વેબમાં અંજવાસ ફેલાવશે.
આ પ્રસંગે ફુલછાબનાં નિવૃત તંત્રી અને આજીવન પત્રકાર લેખક શ્રી કૌશીક મહેતાએ પત્રકારની તટસ્થતા એટલે શું ? તેની સુંદર વ્યાખ્યા આપતા જણાવ્યુ હતુ કે જો શાસક પક્ષ સારૂ કામ કરે તો તેમને બિરદાવવા જોઇએ પણ ભુલ કરનારનો કાન પણ આમળવો જોઇએ એ સાચી તટસ્થતાની સીધી સાદી વ્યાખ્યા છે તેમ જણાવી મિડીયા અને પત્રકારત્વના ક્ષેત્ર ઉપર પ્રકાશ પાડયો હતો અને શ્રી સોરઠીયાના સર્જનને ઇ-બુક સ્વરૂપે મુકનાર તેમના પ્રપૌત્ર ઓમ સોરઠીયાને બીરદાવેલ.
અમરેલી જિલ્લાના ગૌરવશાળી અને પ્રતિભાવંત સ્વ. શ્રી ગોરધનદાસ સોરઠિયાના સાહિત્યસર્જનને તેમના પ્રપૌત્ર શ્રી ઓમભાઈ સોરઠિયા દ્વારા નિર્મિત ઈ-બુક સ્વરુપે સોરઠિયાની સાહિત્ય સૃષ્ટિ’ મોબાઈલ એપના લોકાર્પણ પ્રસંગે અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણે સ્વ. ગોરધનભાઇ સોરઠીયાનાં સંસ્મરણો યાદ કરી અને મારૂ માથુ ભાંગ તેવો થા તેવા આશિર્વાદ પણ સ્વ. ગોરધનબાપાએ આપ્યા હોવાનો પ્રસંગ યાદ કરી તેમનાં પુસ્તકો અને સાહિત્ય તથા અમરેલીના ઇતિહાસને સર્વ પ્રથમ વખત આલેખનાર સ્વ. સોરઠીયાના સર્જનને ઇ-બુક સ્વરૂપે મુકનાર શ્રી સોરઠીયા પરિવારના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
ખોડલધામના ટ્રસ્ટી શ્રી વસંતભાઇ મોવલીયા વતી શ્રી સુરેશ દેસાઇએ શ્રી સોરઠીયાના સંસ્મરણો તાજા કર્યા હતા. શ્રી સોરઠીયા પરિવારના સ્નેહી શ્રી મધુભાઈ પટોળીયા, શ્રી એમ.કે. સાવલીયા, રાધા રમણ ટેમ્પલ બોર્ડના શ્રી રાજેશ માંગરોળીયા, ફુલછાબના નિવૃત તંત્રી શ્રી કૌશીક મહેતા, અમરેલીના બિલ્ડર અને વિવિધ સંસ્થાઓના વડલા જેવા શ્રી વસંતભાઇ મોવલીયા, શ્રી હરીભાઇ કાળાભાઇ સાંગાણી, શ્રી ભરતભાઇ બસીયા, શ્રી ભરતભાઇ મહેતા, પુર્વ કૃષિ મંત્રી શ્રી બેચરભાઇ ભાદાણી, જાણીતા કેળવણીકાર શ્રી બી.એલ. હીરપરા, શ્રી શંભુભાઇ દેસાઇ, શ્રી દિનેશભાઇ ભુવા શીતલ, શ્રી ભીખુભાઇ કાબરીયા, શ્રી સુરેશ દેસાઇ, શ્રી રોહિત જીવાણી, શ્રી ધ્યેય પંડયા, શ્રી તાપસ તળાવીયા, શ્રી મહેશભાઇ કડછા, શ્રી જીણાભાઇ વઘાસીયા સહિત વિવિધ ક્ષેત્રનાં આગેવાનો વગેરે ઉપસ્થિત રહયા હતા.
અને ખોડલધામ રાજકોટ તથા અમરેલી દ્વારા સ્વ. સોરઠીયાના પરિવારનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ તથા શ્રી વિષ્ણુભાઇ પંડયા, શ્રી મહમદભાઇ ત્રવાડી, શ્રી વસંતભાઇ પરીખ, શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી રઘુવીર ચૌધરી શ્રી શામજીભાઇ ખુંટ, સહિતના મહાનુભાવોનો શુભેચ્છા સંદેશ સૌએ નિહાળ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત શ્રી મેહુલ સોરઠીયાએ કરેલ તથા સંચાલન શ્રી અર્જુન દવેએ કર્યુ હતુ તથા આભારવિધિ શ્રી ઓમ સોરઠીયાએ કરી હતી.
Recent Comments