અમરેલી સ્થિત શુભ લક્ષ્મી નગર આંગણવાડી ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અન્વયે બાળકીઓના પોસ્ટ ખાતા ખોલવાનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતમાં કુલ ૨૧ બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ખાતા ખોલવામાં આવ્યા હતા. ભારતીય ટપાલ વિભાગ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અન્વયે ૧૦ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતી દીકરીઓના પોસ્ટ બચત ખાતા ખોલવામાં આવે છે. આ બચત પર આકર્ષક વ્યાજદર પણ મળી રહે છે. આ યોજના અન્વયે ઓછામાં ઓછા રુ.૨૫૦ થી પોસ્ટ ખાતુ ખોલાવી શકાય છે. બાળકી જ્યારે ૧૮ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આ પોસ્ટ ખાતામાંથી ઉચ્ચ અભ્યાસ અને ભણતર અર્થે ૫૦ ટકા બચત રકમ ઉપાડવાની સુવિધા પણ છે. ૮૦ સી કલમ અંતર્ગત આવક વેરામાં પણ છૂટ મળે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના થકી ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ અભિયાનને પ્રેરક બળ મળી રહ્યું છે. તા.૧૨ જુનથી તા.૧૪ જુન, ૨૦૨૩ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે ત્યારે અમરેલીના શુભ લક્ષ્મી નગર સ્થિત આંગણવાડી ખાતે ૩ કન્યા અને ૧ કુમાર સહિત કુલ ચાર બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ કરીને તેના બાળ જીવનના નવા આયામમાં પા પા પગલીઓ માંડી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ખાતા ખોલવાના કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, પોસ્ટ ઓફીસ અમરેલીના પી.આર.ઓ અને આંગણવાડીના કાર્યકરો તેડાગરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments