અયોધ્યામાં પ્રસાદનો વર્લ્ડ રેકોર્ડ બનશે!.. નાગપુરના શેફ ભક્તો માટે પ્રસાદ બનાવશે
૨૨મી જાન્યુઆરીએ સમગ્ર દેશની નજર અયોધ્યા પર હશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ફક્ત રામનગરીમાં જ નહીં, પણ દેશભરમાં મનાવવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જ્યાં હજારો અતિથિઓ અને લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે, ત્યાં આ મહોત્વમાં પ્રસાદની વ્યવસ્થા ન હોય તે કેવી રીતે બને. કાર્યક્રમના વ્યાપને જાેતાં દેશભરમાં પ્રસાદ તૈયાર કરવાની વ્યવસ્થા શરૂ થઈ ચૂકી છે. તમે જે મહાકાય કડાઈ જાેઈ રહ્યા છો, તેમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના પ્રસાદ તરીકે હલવો તૈયાર કરવામાં આવશે. નાગપુરના શેફ વિષ્ણુ મનોહર પ્રસાદ બનાવવાનું આ મહાકાર્ય કરશે.
મહાકાય કડાઈને અયોધ્યા લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. કડાઈનું વજન ૧૪૦૦ કિલો હોવાથી તેને ઉંચકવા માટે ક્રેનનો ઉપયોગ કરવા સિવાય છૂટકો નથી. કડાઈને બરાબર સાફ બાદ અયોધ્યા લઈ જવાશે.. મુખ્ય વાત તો એ છે કે આ કડાઈમાં પ્રસાદ માટે સાત હજાર કિલો સોજીનો હલવો તૈયાર કરવામાં આવશે. આ પ્રસાદને રામ હલવા નામ અપાયું છે. એક સાથે આટલી મોટી માત્રામાં હલવો તૈયાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પણ દાવો કરાયો છે. ૧૨ હજાર લીટરની ક્ષમતા ધરાવતી કડાઈમાં જ્યારે સોજીના હલવાનો પ્રસાદ તૈયાર થશે, ત્યારે આ પ્રક્રિયા જાેવી પોતાનામાં લ્હાવો હશે.
૧૦ ફૂટ પહોળી કડાઈ માટેના તાવેથાનું વજન ૧૦થી ૧૫ કિલો જેટલું છે. સાત હજાર કિલો હલવો તૈયાર કરવા માટે ૯૦૦ કિલો રવો, એક હજાર કિલો ઘી, એક હજાર કિલો ખાંડ, બે હજાર લીટર દૂધ, અઢી હજાર લીટર પાણી, ૩૦૦ કિલો ડ્રાય ફ્રૂટ અને ૭૫ કિલો ઈલાયચી પાવડરનો ઉપયોગ કરવામાં આવશે.. ૨૨મી જાન્યુઆરીએ રામ લલાને ભોગ ધરાવ્યા બાદ આ પ્રસાદ આમંત્રિત મહેમાનો અને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવશે. સાત હજાર કિલો હલવો જાે એક વ્યક્તિને ૫૦ ગ્રામ પ્રમાણે અપાય તો દોઢ લાખ લોકોમાં આ પ્રસાદ વહેંચી શકાય તેમ છે. નાગપુરના જાણીતા શેફ વિષ્ણુ મનોહર રામ મંદિર આંદોલન વખતે કાર સેવામાં જાેડાયા હતા. આ જ કારણ છે કે અયોધ્યા અને રામ મંદિર સાથે તેમનો વિશેષ લગાવ છે.
તો આ તરફ આંધ્રપ્રદેશના જાણીતા મંદિર તિરુપતિમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. અહીં તૈયાર થઈ રહેલા શ્રીવારી લડ્ડુને ૨૨મીએ મહેમાનો તેમજ શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવશે. લાડુ બનાવવાની અને અયોધ્યા પહોંચાડવાની જવાબદારી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે સ્વીકારી છે.. વાત રામ મંદિર માટેના પ્રસાદની હોય, તો તેમાં ગુજરાત કેવી રીતે બાકાત રહે. મંદિર માટે ધ્વજદંડ, વિશાળ નગારું અને અગરબત્તી તેમજ અજય બાણ સહિતની ભેટ ઉપરાંત અમદાવાદમાં પ્રસાદ પણ તૈયાર થઈ રહ્યો છે. કાર્યક્રમના આમંત્રિતો માટે શહેરમાં પ્રસાદના ૨૦ હજાર બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં અયોધ્યાની પવિત્ર સરયી નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો સમાવેશ થાય છે. મંદિરમાં સામાન્ય કાર્યક્રમમાં પણ પ્રસાદ વહેંચવામાં આવે છે, ત્યારે અયોધ્યામાં તો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઐતિહાસિક છે. આ કાર્યક્રમમાં પ્રસાદ ગ્રહણ કરનાર ધન્યતાનો અનુભવ કરશે.
Recent Comments