ગુજરાત

અરવલ્લીમાં ડૂબી જવાની બે ઘટનામાં આધેડ અને કિશોરનું મોત

ચોમાસા બાદ જળાશયો તળાવો ભરાઈ જતાં યુવકો ન્હાવા જતા હોય છે અને પગ લપસી જતાં મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ બે ઘટના અરવલ્લી જિલ્લામાં બનવા પામી છે. જ્યાં ડૂબી જવાની બે અલગ અલગ ઘટનામાં એક આધેડ અને એક કિશોરનું મોત નીપજ્યું હતું. બંનેના મૃતદેહને મોડાસા ફાયર વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઇટાળી ગામના તળાવમાં ૫૫ વર્ષીય મોહનભાઈ નામના આધેડનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

જ્યારે મેઘરજ તાલુકાના નવાગામ (ક) ગામે ધોરણ-૧૨માં અભ્યાસ કરતો મિથુન મનાત સાંજે ગામના રૂપલી તળાવમાં નહાવા ગયો હતો. જ્યાં તેનો પગ લપસી જતાં અને તળાવ ૪૦ ફૂટ ઊંડું હોવાથી તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બંને ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મોડાસા ફાયર વિભાગે તાબડતોબ ઘટના સ્થળે જઈ રેસ્ક્યુ કરી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આમ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ડૂબી જવાથી બેના મોતની ઘટનાઓમાં મોડાસા પાલિકા ફાયર વિભાગની પ્રસંશનીય કામગીરી રહી હતી.

Related Posts