સોશિયલ મિડિયા અને મેઈનસ્ટ્રીમ મિડિયામાં હાલ ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાધાણી જરા જુદી રીતે છવાઈ ગયા છે. તેમણે એક ભાષણમાં કહ્યું કે જો ગુજરાતનુ શિક્ષણ પસંદ ના હોય તો બીજા રાજ્યમાં રહેવા જતા રહો. મને લાગે છે કે મુળ વાત આમ હતી કે જીતુ વાધાણી એમ કહેવા માંગતા હતા કે કેટલાક લોકો સતત ફરિયાદ કર્યા કરે છે. સરકારે આમ ન કર્યુ, શિક્ષણ વિભાગે આમ નકર્યુ. આના પ્રત્યુતરમાં તેઓ કદાચ કહી રહ્યાં હતા કે જો અહિયા ન ફાવે તો બીજે જતા રહો, બસ થઈ ગયુ પુરુ. આખો મામલો પ્રથમ ટીવી મિડિયામાં અને ત્યાર બાદ સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ ગયો. ભાજપ માટે શરમિંદગી ઉભી થઈ કારણ કે કોઈ જવાબદાર પ્રધાન એમ ન કહી શકે કે અહિયાનુ ભણવાનુ ન ફાવે તો બીજે જતા રહો. પરંપરા પ્રમાણે ભાજપના પ્રવક્તાઓ અને સ્વંમ વાધાણીએ પોતાના ભાષણનો જુદો અર્થ હોવાનુ કહી પલ્લો ખંખેરી લીધો.
પરંતુ અરવિંદ કેજરીવાલ ટાંપીને જ બેઠા હોય છે. તેમણે તુરંત ટ્વીટ કર્યુ કે સારુ શિક્ષણ ન આપી શકો તો ગુજરાતની ગાદી છોડી દો. અમે સારુ શિક્ષણ આપીશું. કોંગ્રેસ અને આપના નેતાઓ કાર્યકરો વગેરે જીતુ વાધાણી પર તુટી પડ્યા. નેતાજીની ભુલ પણ મોટી થઈ હતી. જીતુ વાધાણી ભાવનગરમાં રહે છે છતા પણ મનસુખભાઈ માંડવિયા પાસેથી ખાસ કંઈ શિખ્યા હોય તેવુ લાગતુ નથી.મનસુખભાઈ પાસેથી મિડિયાને કેમ હેન્ડલ કરવુ અથવા તો ક્યારે મૌન રહેવુ અને ક્યારે બોલવુ તે શિખવા જેવુ છે. મી. વાધાણી, તમે આ રાજ્યના શિક્ષણ પ્રધાન છો. તમારે કાયમ એમ કહેવુ જોઈએ કે ઓક્સફોર્ડને ટક્કર મારે તેવુ શિક્ષણ હુ આપવા સક્ષમ છું. કહેવામાં શુ જાય છે. અને જો થોડો પ્રામાણિક પ્રયાસ કરો તો ઓક્સફોર્ડ તો નહી પરંતુ દુન સ્કુલ જેવો અભ્યાસ તો અચુક આપી શકાય.
વાધાણી સાહેબ બોલવામાં આ વોટ્સઅપ યુગમાં ધ્યાન રાખવા જેવુ છે. આ મફત સલાહ છે. સતત તમારા પર કેમેરા ફરતા હોય, કંઈ આડુ અવળુ બોલ્યા કે વિરોધીઓ તુટી જ પડે. પાછુ તમારા કેસમાં એક નબળી બાજુ એ કહેવાય કે થોડા વર્ષો પહેલા આપનો સુપુત્ર પોતે પરિક્ષામાં ચોરી કરતા પકડાયો હતો. આમાં તમારો કોઈ વાંક ન ગણાય. કારણ કે કોઈ પિતા પોતાના પુત્રને એમ ન કહે કે પરિક્ષામાં ચોરી કરજે. પરંતુ આપના વિરોધીઓ તો સોશિયલ મિડિયામાં એમ જ લખેને કે પરિક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીના પિતા જી જો અહિયા શિક્ષણ ન ફાવે તો બીજે જતા રહો તેવી સલાહ આપે છે.
ખેર, જીતુભાઈ લોકોની યાદશક્તી ખુબ ઓછી છે. આ લેખ પ્રગટ થશે ત્યાં સુધીમાં તો બીજુ કંઈક વાઈરલ આવી જ ગયુ હશે પરંતુ અહિયા ઉતકૃષ્ટ પ્રકારનુ શિક્ષણ આપવાનો પ્રયાસ કરો અથવા તો એવુ નિવેદન આપી દો. મામલો પુર્ણ. આ ચૂંટણીનુ વર્ષ છે. સતત પરિક્ષાના પેપરો ફુટી રહ્યાં છે. વિદ્યાર્થીઓમાં થોડો ધણો આક્રોશ છે, આવા સમયે તમે એમ કહો કે અહિયા શિક્ષણ ના ફાવે તો ઉચાળા ભરી બીજા કોઈ રાજ્યમાં જતા રહો તે વ્યાજબી ના જ કહેવાય. જો કે હુ એમ માનુ છું કે તમે કોઈ બીજા સંદર્ભમાં આવુ કહ્યુ હશે કે અહિયા ન ફાવે તો બીજે જતા રહો, પરંતુ બીજે ક્યાં જવુ સાહેબ, બધે જ તમારી સરકાર છે. એટલે ગામ ફેરવવા કરતા ગાડુ ફેરવીએ અને ગુજરાતને ઉત્તમ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરીએ.
Recent Comments