આંતરરાષ્ટ્રીય મહિલા દિનને અવસરે ભાવનગર જિલ્લા તંત્રની અનોખી પહેલ

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અવસરે ભાવનગરમાં યોજાયેલાં કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત મુખ્ય સ્ટેજ પર મહેમાન તરીકેથી માંડીને એન્કર, લાભાર્થી, શ્રોતા આમ તમામ જગ્યાએ મહિલાઓ રહી હતી.
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેના સૂચનને સહર્ષ સ્વીકારી સ્ટેજ પર મહેમાન તરીકે બેઠેલાં મહાનુભાવોએ સ્વૈચ્છિક રીતે સ્ટેજ પરથી ઉતરી જઇ એક પ્રેક્ષક તરીકે સામેની બાજુએ બેસીને આજના દિનને વાસ્તવમાં ‘મહિલા દિન’ તરીકે ચરિતાર્થ કરી બતાવ્યો હતો.
મહિલા દિને તમામ જગ્યાએ મહિલાઓ હોય તેવાં ભાવ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ મહિલાઓના સ્ટેજની સામે બેસીને મહિલાઓને અદકેરું સન્માન આપ્યું હતું.
આ ઉપરાંત સ્ટેજ પર બેઠેલી મહિલાઓનું સન્માન પણ પુરૂષ અધિકારીઓએ કરી મહિલાઓ પ્રત્યે અનોખી સન્માનની લાગણી પ્રદર્શિત કરી મહિલાઓ માટેના દિવસને યાદગાર બનાવી દીધો હતો. મહિલા મહાનુભાવોએ પણ તેમના પ્રત્યેની આવી લાગણી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
Recent Comments