આંતરરાષ્ટ્રીય વન દિવસ:રાજ્યમાં 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે,ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ‘નમો વડ વન’ અભિયાનની શરૂઆત કરાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે ગાંધીનગરમાં વડનું વૃક્ષ વાવીને ‘નમો વડ વન’ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી. રાજ્યમાં “નમો વડ વન’ અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે.વડાપ્રધાનની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ –આઝાદીના 75માં વર્ષે વન વિભાગનું ‘નમો વડ વન’ નિર્માણ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન: પ્રસ્થાપિત કરશે.રાજ્યમાં ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમ ને પણ વેગ આપશે.
2021ની વૃક્ષ ગણતરી મુજબ 39.75 કરોડ વૃક્ષો થયા
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2021ના અહેવાલ મુજબ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 6900 હેકટરનો વધારો થયો છે.રાજ્યમાં 2003માં વન વિસ્તાર બહાર અંદાજે 25.10 કરોડ વૃક્ષો હતા,તે વધીને હવે 2021ની વૃક્ષ ગણતરી મુજબ 39.75 કરોડ થયા છે.પૃથ્વી ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જેના પર નિર્ભર છે,તેવા વૃક્ષો,વનો અને વનસ્પતિઓનું જતન-સંવર્ધનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે.
વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વન વિસ્તારમાં વસતા વનબાંધવોના જીવનનો આર્થિક આધાર વન્ય પેદાશો છે. આપણે એ વનબાંધવોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, વનબંધુઓની આર્થિક આત્મનિર્ભરતા માટે ગૌણવન પેદાશના વેચાણ હક્કો પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓને આપ્યા છે.એટલું જ નહીં વનક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા 30થી 35 લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી છે.
ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા 20 કરોડની જોગવાઇ
રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં બામ્બુ મિશન યોજના હેઠળ, 5891 હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા 20 કરોડની જોગવાઇ કરી છે. સેંકડો વર્ષો સુધી જીવંત રહેતા વડના વૃક્ષની જેમ સરકારના વિકાસ કામો પણ દીર્ઘકાલીન અને સસ્ટેનેબલ છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં જે વિકાસ કામોના બીજ રોપ્યા હતા તે હવે વિકાસના વટવૃક્ષ બની કરોડો નાગરિકોને સુશાસનની આગવી સુખ સુવિધાઓ આપી રહ્યા છે.વૃક્ષો-વનો પર્યાવરણની સુરક્ષા કરે છે, સાથોસાથ સ્વચ્છ વાયુ, નિર્મળ જળ, સ્વસ્થ જીવન માટે ઉપકારક છે.
Recent Comments