આઇ.ટી.આઇ-અમરેલી કૌશલ નિર્માણ અને કૌશલ્ય વિકાસ થકી વિદ્યાર્થીઓના સપનાઓને આકાશી ઉડાન આપી રહ્યું છે. સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંજયકુમાર ગોહિલે રેફ્રીઝરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિક કોર્ષ થકી સારી નોકરી પ્રાપ્ત કરવામાં સફળ બન્યા છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોય તેવા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા સંજયકુમાર આજે ખાનગી કંપનીમાં વાર્ષિક રુ. ૯.૫ લાખનું પેકેજ મેળવી રહ્યા છે. લાઠીના ધામેલ ગામના શ્રી સંજયકુમાર ઉકાભાઈ ગોહિલે આઈ.ટી.આઈ.અમરેલીમાં રેફ્રીઝરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિક ટ્રેડમાં વર્ષ ૨૦૦૯માં પ્રવેશ મેળવ્યો હતો. બે વર્ષના અભ્યાસક્રમ દરમિયાન તેમણે થિયરીકલ અને પ્રેક્ટિકલ તાલીમ લીધી હતી. સંસ્થા તરફથી તેમને પોતાના ટ્રેડની વિશેષ તાલીમ માટે ઇન્ડસ્ટ્રીમાં પણ મોકલવામાં આવ્યા હતા. કૌશલ નિર્માણ અને કૌશલ્ય વિકાસ માટે વિદ્યાર્થીના અભ્યાસમાં પ્રેક્ટિકલ માહિતી, માર્ગદર્શન અને વ્યવહારુ જ્ઞાનનું મહત્વ વધુ હોય છે. આઇ.ટી.આઇ,અમરેલી એટલે જ પ્રેક્ટિકલ પર વધુ ભાર આપી રહ્યું છે.
શ્રી સંજયભાઈ ગોહિલે તેમના એકેડેમિક અને પ્રેક્ટિલ જોબના અનુભવો શેઅર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, આઇ.ટી.આઇ, અમરેલી ખાતે રેફ્રીઝરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિક ટ્રેડમાં મારે બે વર્ષ અભ્યાસ કરવાનો હતો. આ અભ્યાસ દરમિયાન મેં ખંતપૂર્વક મહેનત કરી હતી. આ ઉપરાંત પ્રેક્ટિકલ પર ખાસ ભાર આપીને હું મારા ટ્રેડમાં બધું જ શીખવા પ્રયત્ન કરતો અને ખંતપૂર્વક શીખવા પર ભાર આપતો. વધુમાં તેમણે જણાવ્યુ કે, આ તાલીમ અને અભ્યાસ દરમિયાન જિજ્ઞાસા અને રસપૂર્વક મેં આ અભ્યાસ કર્યો હતો આથી મને અમદાવાદ ખાતે ખ્યાતનામ કંપની હેપ્પી કુલિંગ સિસ્ટમમાં નોકરી મળી હતી. આ કંપની દરેક પ્રકારના એ.સી., ચિલર અને વી.આર.વી. મશીનનું ઉત્પાદન કરે છે. આ કંપનીમાં મારે ૧૨ થી વધુ વર્ષ થયા છે અને આજે હું પ્રોજેકટ અને સર્વિસ હેડ તરીકે મારી ફરજ બજાવું છું. શ્રી સંજયકુમારે આઇ.ટી.આઇ અમરેલી અને તેમના ગુરુજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ કે, આઇ.ટી.આઇ સંસ્થાઓ રાજ્ય સરકારના તમામ યુવાઓને નોકરીના અભિગમને બળ પુરુ પાડી રહી છે.
આમ, આઇ.ટી.આઇ સંસ્થાઓ દેશના યુવાધનને સ્કિલ બેઝ્ડ ટ્રેનિંગ આપીને તેમને ઉડવા માટે પાંખો આપી રહી છે. આ સંસ્થાઓમાં ખંતપૂર્વક અભ્યાસ પૂર્ણ કરનાર યુવાઓ આજે આકાશી ઉડાન પ્રાપ્ત કરીને પોતાના સપના સાકાર કરી રહ્યા છે.
Recent Comments