આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કારોબારી બેઠક યોજી
અમદાવાદમાં આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રદેશની કારોબારી બેઠક મળી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી એ સમગ્ર ગુજરાતમાં તિરંગા સભાના આયોજનની જાહેરાત કરી અને દરેક બુથને મજબૂત કરવા માટે મારું બુથ મજબૂત બૂથ સ્લોગન સાથે દરેક બુથને મજબૂત કરવાની વ્યૂહરચના પદાધિકારીઓ સમક્ષ રચવા રજૂ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ બધા પદાધિકારીઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવી કે, નવનીયુક્ત દરેક પદાઅધિકારીઓને નવી જવાબદારી મળવા બદલ ખુબ ખુબ અભિનંદન. દરેક પદાઅધિકારીઓએ આવનારી લોકસભા અને નગર નિગમની ચૂંટણીઓ માટે તનતોડ મહેનત કરવાની છે. આપણી પાસે પૂરતો સમય છે જેનો ઉપયોગ કરીને આપણે ગુજરાતના દરેકે દરેક બુથ પર આપણા સંગઠનને મજબૂત કરવાની જવાબદારી આપણા સૌની છે. જ્યારે હું ધારાસભ્ય હેમંતભાઈ ખવાને પહેલી વખત મળ્યો હતો એ સમયે તેમણે પોતાના દરેક બુથ પર 50 લોકોના સભ્યોની ટીમ ની યાદી મારા સમક્ષ રજૂ કરી હતી. એ જ રીતે ધારાસભ્ય ચૈતર વસાવા એ પણ પોતાના દરેક બૂથ પર સંગઠન મજબૂત કર્યું હતું અને આટલી જબરદસ્ત તૈયારી ના કારણે તેઓ ચૂંટણી જીતી શક્યા હતા.
દરેક હોદ્દેદારોના કામની સંપૂર્ણ માહિતી ભેગી કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને સોંપવામાં આવશે કારણ કે લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી પ્રદર્શન કરે એની જવાબદારી આપણે સૌએ લીધી છે. જ્યારે વિધાનસભાઓમાં સમિતિ અને બુથના સંગઠનની રચના થઈ જશે ત્યારે દર મહિને હું દરેક લોકસભા ઇન્ચાર્જની સાથે મીટીંગ કરીશ અને દરેકના કામની જાણકારી મેળવીશ. કોણે ક્યાં કેટલી મિટિંગ કરી કેટલા કાર્યકર્તાઓ બનાવ્યા કેટલા કાર્યક્રમો કર્યા દરેક બાબતની જાણકારી લેવામાં આવશે. લોકસભા ઇન્ચાર્જ, વિધાનસભાના પ્રમુખ અને વિંગના પ્રમુખો સાથે હું દર મહિને ઓનલાઈન મુલાકાત લઈશ.
આપણા સંગઠનને વધુ સારી રીતે સુઆયોજિત બનાવવા માટે આપણે એક મોબાઇલ એપ પણ બનાવી રહ્યા છીએ જે મોબાઈલ એપ દરેક હોદ્દેદારોએ ડાઉનલોડ કરવાની રહેશે અને તેમાં જાણકારી ભરવાની રહેશે કે ક્યાં કેટલું કામ કરવામાં આવ્યું.જેનાથી દરેકના કામનું રિપોર્ટિંગ ખૂબ જ સુઆયોજીત રીતે થઈ જશે. કોઈપણ હોદ્દેદારને ખુરશીના નેતા બનવા માટે કામ સોંપવામાં નથી આવ્યું, જેને જેટલી મોટી જવાબદારી આપવામાં આવી છે એને એટલું જ વધુ કામ કરવું પડશે. દરેકે દરેક બૂથ પર 20 લોકોનું સંગઠન હોવું જોઈએ. દરેક તાલુકા, નગરપાલિકા અને વોર્ડ સ્તરે તિરંગા સભા નું આયોજન કરવાનું છે. જો આટલું કામ કરી દેવામાં આવશે તો કોઈપણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈપણ બૂથ પર કમજોર નહીં રહે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ હોદ્દેદારોને સંબોધીને જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે સૌ સાથે મળીને રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ. તેના પરિણામ સ્વરૂપે આપણને વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી વધુ વોટ મળ્યા હતા અને પાંચ મજબૂત ધારાસભ્યો મળ્યા હતા. આજે આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત છે અને નવા હોદ્દેદારોની જવાબદારી આપ્યા બાદ આપણા કામની ગતિ ખૂબ જ વધવાની છે. આપણે આ વખતે દરેકે દરેક બુથનું માઇક્રો પ્લાનિંગ કરવાનું છે અને ચૂંટણી સમયે કયા બૂથ પર કેટલા વોટ મળશે તે સ્તરની માહિતી અગાઉથી મળી રહે તે રીતે સંગઠન મજબૂત કરવાનું છે. છેલ્લા એક મહિનાથી આપણે અલગ અલગ જગ્યા ઉપર તિરંગા સભા યોજી રહ્યા છીએ. અલગ અલગ લોકસભા અને વિધાનસભા સ્તરે અત્યાર સુધી તિરંગા સભા નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આવનારા સમયમાં આપણે નગરપાલિકા અને બોર્ડના સ્તરે તિરંગા સભા નું આયોજન કરીશું અને લોકો સુધી આમ આદમી પાર્ટીના વિચારો પહોચાડીશું.
તિરંગા સભાના માધ્યમથી આપણે સંગઠનનું નિર્માણ કરીશું, સ્થાનિક પ્રશ્નો ઉઠાવીશું, આમ આદમી પાર્ટીના કામો અને આમ આદમી પાર્ટીની સાચી માહિતીઓ લોકો સુધી પહોંચાડીશું અને જે ખોટી માહિતીઓ લોકો વચ્ચે છે તેની ભ્રમણા દૂર કરીશું. દર શનિવારે એક તિરંગા સભામાં જો સો લોકો પણ જોડાશે તો એક શનિવારે આપણી 60,000 લોકો સુધી પહોંચી શકીશું. અને જો આ કામ શક્ય થઈ ગયું તો આમ આદમી પાર્ટી છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી પોતાની પહોંચ બનાવી લેશે અને આપણો સંગઠન અત્યંત મજબૂત થઈ જશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, નવનિયુક્ત હોદ્દેદારો અને આપણા તમામ કાર્યકર્તાઓના અથાગ પ્રયાસના કારણે આપણને વિધાનસભામાં 41 લાખથી વધુ મત મળ્યા હતા. હવે આપણી પાસે પાંચ વર્ષનો સમય છે અને આપણે 2027ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાની છે. મેં પાંચ વર્ષ પહેલા થી જ ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. લોકોને મળવાનું નાના મોટા દરેક કાર્યક્રમોમાં હાજર રહેવાનું અને લોકોના પ્રશ્નો સાંભળવાનો કામ હું સતત કરતો હતો. હવે આપણે પણ આખા ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાનું છે અને આવનારી દરેક ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને તૈયાર કરવાનું કામ કરવાનું છે. હું જ્યારે પહેલી વખત ઈસુદાન ભાઈ ને મળ્યો એ પહેલાં જ મેં તાલુકા લેવલની સમિતિથી લઈને બુથ લેવલની બધી જ તૈયારી કરી લીધી હતી અને એની બધી જ વિગતો મેં ઈસુદાન ભાઈ ને જણાવી હતી. તો આ પ્રમાણેનું જ કામ ગુજરાતના દરેક બુથ પર આપણે કરવાનું છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, આપણે આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જનતા વચ્ચે જઈને તેમની નાની નાની મુશ્કેલીઓ સાંભળીને તેમના કામો કરવા પડશે. કયા વિસ્તારમાં રોડ બનાવવાની જરૂરત છે કયા વિસ્તારમાં દવાખાના બનાવવાની જરૂર છે આવી તમામ પ્રકારની માહિતીઓ ભેગી કરીને આપણે આ મુદ્દા ઉપર સરકાર સમક્ષ માંગણીઓ કરવી પડશે અને લોકોને સમસ્યાઓનું સમાધાન લાવવું પડશે. આમ કરવાથી લોકો સમક્ષ આમ આદમી પાર્ટીની વધુ સારી ઈમેજ બનશે અને લોકો આપણા સંગઠન સાથે જોડાશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની વાત કરતા જણાવ્યું હતું, અરવિંદ કેજરીવાલજીએ જે ઈમાનદારીનું બીજ રોપ્યું છે એ ઈમાનદારીના કારણે આપણે સૌ એકબીજા સાથે ખૂબ જ લાગણીશીલ રીતે જોડાયેલા છીએ અને હંમેશા પરિવારની જેમ એકબીજાના પડખે હંમેશા ઊભા રહ્યા છીએ અને આ જ રીતે હંમેશા એકબીજાની સાથે રહીને આપણે આપણા સંગઠનને વધુ મજબૂત બનાવવાનું છે. જ્યાં સુધી આપણે બૂથ સુધીનું સંગઠન મજબૂત નહીં બનાવી લઈએ ત્યાં સુધી આપણે કોઈપણ ચૂંટણી જીતી શકીશું નહીં. એટલા માટે જ પ્રદેશ લેવલથી જે પણ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવી તે દરેક પ્રકારના કાર્યક્રમો આપણે દરેક સ્તર પર કરીને સંગઠનને મજબૂત બનાવવાનું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ પોતાની વાત હોદ્દેદારો સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે, તિરંગા સભામાં આપણે જેટલા વધુ લોકોને જોડીશું એટલું ઝડપથી આપણું સંગઠન મજબૂત થશે. જેટલી ઝડપથી સમિતિ અને બૂથના સંગઠનનું નિર્માણ કરીશું એનો સીધો ફાયદો આપણને આવનારી સ્થાનિક અને લોકસભા ચૂંટણીમાં મળશે. ચૂંટણીના દિવસે જેનું બૂથ સૌથી વધુ મજબૂત થશે એ લોકો જ જીત મેળવી શકશે અને આપણી પાસે પૂરતો સમય છે તો આપણે સૌએ ગુજરાતના બધા જ બૂથને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવામાં લાગી જવાનું છે.
Recent Comments