fbpx
અમરેલી

આગામી ૨૬ ફેબ્રુઆરીના મુખ્યમંત્રી અમરેલી ખાતેથી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે

આગામી ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી ખાતેથી ૨૬ ફેબ્રુઆરીના રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવનાર છે. રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઈ હતી.

કલેકટરશ્રીએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ગરીબ કલ્યાણ મેળાનું ચુસ્ત આયોજન ગોઠવવા પર ભાર મૂકયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળના બે વર્ષ બાદ યોજાતા ગરીબ કલ્યાણ મેળાઓમાં મહત્તમ લાભાર્થીઓ સુધી ગરીબ કલ્યાણ મેળાના લાભો પહોંચાડી શકાય તે માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવાશે. ગરીબ કલ્યાણ મેળાના નોડલ અધિકારીશ્રીએ તમામ લાભાર્થીઓની યાદી ઓનલાઇન અપલોડ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

બેઠકમાં રાજ્ય સરકારે જાહેર કરેલા વિવિધ ૨૦ વિભાગોના લાભાર્થીઓની યાદી સમયસર તૈયાર કરી તેમને આપવાના થતા લાભોની સાધનસામગ્રી નિયત સમયમાં એકત્રીત કરવા કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને વિશેષરૂપે જણાવ્યું હતું.

જિલ્લાના તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરોને તાલુકા કક્ષાએએ સંકલન કરી લાયક લાભાર્થીઓની એન્ટ્રી ગરીબ કલ્યાણ મેળાના પોર્ટલ પર સમયસર અપલોડ કરવા સૂચના આપવામાં આવી હતી. દિવ્યાંગ લાભાર્થીઓની જરૂરી સવલતો સાચવવા પર ખાસ ભાર મુકાયો હતો. જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું સ્થળ નક્કી થયા બાદ સ્થળ મુલાકાત કરી યોગ્ય મંચ વ્યવસ્થા ગોઠવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સરકારી વિભાગોના લાભાર્થીઓની યાદી સમયસર તૈયાર કરવા આ બેઠકમાં ખાસ જણાવવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, નાયબ વન સંરક્ષક સુશ્રી પ્રિયંકા ગેહલોત, અધિક કલેક્ટર શ્રી આર. વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના તેમજ વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ સામેલ થયા હતા.

Follow Me:

Related Posts