fbpx
અમરેલી

આગામી ૮ માર્ચના અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમના આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

કાર્યક્રમમાં જિલ્લાની અગ્રેસર મહિલાઓનું સન્માન તેમજ વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાના લાભોનું વિતરણ કરશે

આગામી ૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અમરેલી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લાના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આગામી ૮ માર્ચના જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

કલેક્ટરશ્રીએ વિભાગવાર લક્ષ્યાંક ફાળવી કામગીરી અન્વયે વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષા બારોટ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી સુમા તેમજ મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય, નગરપાલિકા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓને માન સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા અલગ અલગ થીમ નક્કી કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. જે અનુસાર અમરેલી ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લાની અગ્રેસર મહિલાઓનું સન્માન, માતા યશોદા એવોર્ડ વિતરણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમ એનાયત, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીને કીટ/ મંજુરી હુકમ વિતરણ સહિત વિવિધ મહિલા કલ્યાણકારી યોજના હેઠળ કીટ વિતરણ કરવામા આવનાર છે. આ ઉપરાંત હિંસા મુકત સમાજની કલ્પના, મહિલાઓ અને હિંસા, મહિલાઓ અને સમાનતા, સમાજમાં મહિલાનું મહત્વ જેવા વિષયોને આવરી લઇ પોસ્ટર, રંગોળી, નિબંધ, સ્લોગન, રાઇટીંગ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામા આવશે.

Follow Me:

Related Posts