fbpx
અમરેલી

આજના હાઈટેક યુગમાં અમરેલી જિલ્લો સરકારી યુનિવર્સિટીના લાભથી શા માટે વંચિત રહે..?? 

અમરેલી જિલ્લાને એક સરકારી યુનિવર્સિટી ફાળવવા માટે  એન. એસ. યુ. આઇ. દ્વારા માંગણી કરતાં વિદ્યાર્થીઓની સહી ઝુંબેશ કાર્યક્રમ નો સાવરકુંડલા નાં આંગણેથી શુભારંભ કરવામાં આવ્યો.શિક્ષણ એ જ સાચી સાધના છે. સુલભ રીતે અને સસ્તું શ્રેષ્ઠ કક્ષાનું શિક્ષણ વિદ્યાર્થી જગત માટે આજના વૈશ્વિક જગતમાં ખૂબ જરૂરી છે. ખાનગીકરણના યુગમાં જો શ્રેષ્ઠ કક્ષાની સરકારી યુનિવર્સીટી લાભ મળે તો અમરેલી જિલ્લાનાં અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓના જીવનમાં ઉજ્જ્વળ કારકિર્દીની સંભાવના સાકાર થઈ શકે. આમ ગણીએ તો અમરેલી જિલ્લાના ૧૧ તાલુકા છે અને જિલ્લાની દ્રષ્ટિએ પણ અમરેલી મોટો જિલ્લો છે. અમરેલી જિલ્લાની બાજુમાં જ આવેલા ભાવનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, જેવા જિલ્લામાં યુનિવર્સિટી આવેલી છે.

અમરેલી જિલ્લાની તમામ કોલેજોનું જોડાણ રાજકોટ જિલ્લાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે હોય અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકાથી ૨૨૫ કિલોમીટર જેવું બાય રોડ અંતર થાય છે. જે ખૂબ દૂર ગણાય. યુનિવર્સિટી દૂર હોવાને કારણે યુનિવર્સિટી સંલગ્ન કોઈપણ કામકાજ હોય તો વિદ્યાર્થીઓએ ખૂબ જ લાંબા અંતર કાપવું પડે છે. જેને કારણે સામાન્ય કામ માટે પણ વિદ્યાર્થીઓનો મોટા પ્રમાણમાં સમયનો વ્યય તથા વધુ આર્થિક ખર્ચ પણ થાય છે. અમરેલી જિલ્લામાં કોઈ પણ યુનિવર્સિટી ન હોવાને કારણે પોતાના જિલ્લામાં જ તમામ પ્રકારના પી. જી. ડિપાર્ટમેન્ટ, યુ.પી.એસ.સી. તેમજ જી.પી.એસ.સી. તેમજ સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ને લગતા વિવિધ લાભો મળતા નથી અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી દૂર હોવાને કારણે તેનાથી વંચિત રહે છે. તમામ પ્રકારની રમત ગમત પ્રવૃત્તિ તેમજ તેનાં મેદાનની યુનિવર્સિટી દૂર હોવાના કારણે વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ તેમજ તેના ફાયદાઓ મળતા નથી.

આ સંદર્ભે અમરેલી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને જાગૃત કરી તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને સહી ઝુંબેશ કાર્યક્રમ તથા પોસ્ટ કાર્ડ વિનંતી કાર્યક્રમ તેમજ વિવિધ રચનાત્મક કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા કરવાના શ્રી ગણેશ કરવામાં આવેલ છે. આ સંદર્ભે સાવરકુંડલાની નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત કરી સહી ઝુંબેશ કરવામાં આવેલ છે. આ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ આ તમામ વિદ્યાર્થીઓની સહી ઝુંબેશ સાથે વિનંતી કરતાં પત્ર આપીને વિદ્યાર્થીઓની આવશ્યક માગણીઓથી પણ અવગત કરાવવામાં આવશે એમ એનએસયુઆઈની એક યાદીમાં કેતનભાઈ ખુમાણ દ્વારા જણાવાયું હતું.

Follow Me:

Related Posts