ગુજરાત

આણંદનાં બોરસદમાં છેલ્લા બે અઠવાડિયાથી ગટર ઉભરાતા ત્યાના નાગરિકો પરેશાન

બોરસદના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ગટર ઉભરાતાં નવરાત્રિમાં શહેરીજનો ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. ગંદકીના લીધે રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે સત્વરે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે. જ્યારે પાલિકા દ્વારા જેટિંગની કામગીરી ચાલુ હોવાનું જણાવી, બે-ત્રણ દિવસમાં પ્રશ્ન હલ કરવાનો દાવો કર્યો છે. બોરસદમાં રોકડિયા હનુમાનજી મંદિર પાસે, જેત્યાવાડ, શ્રેયસ સોસાયટી, માર્કેટિંગ યાર્ડ, રવીકુંજ પાછળનો વિસ્તાર, રોહિતનગર, રોહિતવાસ, ફતેપુર, ટાઉનહોલ પાસે પશુ દવાખાનાનો વિસ્તાર, રબારી સોસાયટી, ઉર્દુ શાળા, આઝાદ પોળ, રાઠોડ ચોકડી સહિતના ૨૦ જેટલા વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ગટર ઉભરાવાની સમસ્યા વધી છે. ગટરના પાણી રસ્તા પર ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડે છે.

અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો ત્રસ્ત બન્યાં છે. કેટલાક વિસ્તારોમાં કચરો ઉઠાવવાની કામગીરી પણ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવતી હોવાના આક્ષેપ લાગ્યા છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. દિવાળીની ખરીદી માટે ગામડામાંથી આવતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે નવરાત્રિ દરમિયાન ગંદકી વચ્ચે રહેવા મજબૂર બનેલા શહેરીજનો દિવાળી પહેલા સાફ-સફાઈ કરવામાં આવે અને ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે. આ અંગે બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, હનુમાનજી મંદિરની ગટરનું જેટિંગનું કામ ચાલુ છે, હજૂ ફોલ્ટ મળ્યો નથી. જરૂર પડશે તો નવી લાઈન નાખી દઈશું. શહેરના અન્ય સ્થળોએ ઉભરાતી ગટરની જગ્યાઓએ બે-ત્રણ દિવસમાં જેટિંગ મશીનનો ઉપયોગ કરીને પ્રશ્ન હલ કરવામાં આવશે.

Follow Me:

Related Posts