આણંદમાં ઘર પાસે લઘુશંકા કરવા બાબતે યુવક પર હુમલો, પોલીસે ચાર શખસની અટક કરી
આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ઘર પાસે લઘુશંકા કરતા યુવક પર પાંચ શખસે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે પોલીસે પાંચેય સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી હતી. આણંદના લોટીયા ભાગોળ વિસ્તારના સોલંકી ફળીયામાં રહેતા ભરત ઉર્ફે નાનજી ઠાકોર ચાવડાને ૧૯મીની રાત્રે લઘુશંકા કરવાના મામલે સલીમશા ઝહુરશા દિવાન સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાના પગલે સલીમશા ઉપરાંત ભાવેશ ઉર્ફે ભાણો પઢિયાર, આફતાબ નુરમહંમદ દિવાન, ઝહુરશા દરવેશશા દિવાન, મોહસીનનુદ્દીન મનોરોજદ્દીન શેખે હથિયારો સાથે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાવેશ ઉર્ફે ભાણાએ તારે અહીં લઘુશંકા ન કરવી જાેઈએ તેમ કહી ફેટ પકડી હતી. જાેકે, ભરત ચાવડાએ માફી માંગી હતી. પરંતુ સલીમશાએ અપશબ્દ બોલી ઘરમાંથી લાકડાનો દંડો લઇ આવી ભરતના માથાની પાછળના ભાગે મારતા ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ હુમલાથી ભરતે બુમાબુમ કરી હતી. જેના પગલે તેમના પરિવારના સભ્યો દોડી આવ્યાં હતાં. જાેકે, તેમ છતાં સલીમ, ભાવેશ ઉપરાંત અન્ય ત્રણ શખસે લાકડા અને બેટથી હુમલો કરી મારમાર્યો હતો. તહેવારોના દિવસો પહેલા મારામારી થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જાહેર માર્ગો પર પાર્ક કરેલા સાધનોને પણ નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ભરત અને અનિલને સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા. આણંદ ટાઉન પોલીસ દ્વારા કડકાઈથી સ્થિતિ ઉપર કાબૂ મેળવાયો હતો. આ અંગે ભરત ઉર્ફે નાનજી ચાવડાની ફરિયાદ આધારે શહેર પોલીસે સલીમશા ઝહુરશા દિવાન, ભાવેશ ઉર્ફે ભાણો પઢિયાર, આફતાભ નુરમહંમદ દિવાન, ઝહુરશા દરવેશશા દિવાન, મોહસીનનુદ્દીન મનોરોજદ્દીન શેખ સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી હતી.
Recent Comments