આણંદમાં યુવતી પાસે ભિક્ષુકે પૈસા માંગ્યા બાદ છેડતી કરતા ફરિયાદ
આણંદમાં વિદ્યાનગર રોડ સ્થિત ખાનગી ટ્યુશન ક્લાસમાંથી ૧૮ વર્ષીય છાત્રા પોતાના ઘર તરફ પરત ફરતી હતી. દરમિયાન, તેણી પગપાળા જઈ રહી હતી ત્યારે એક શખસ, નાના છોકરા સાથે તેની પાસે આવ્યો હતો અને તેણે યુવતી પાસે ભીખમાં પૈસા માંગ્યા હતા. જાેકે, યુવતીએ પાંચ રૂપિયા તેને આપતાં જ શખસ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગમે તેમ અપશબ્દ બોલી આટલાં ઓછા પૈસા કેમ આપ્યા, થોડાં વધારે પૈસા આપ તેમ કહ્યું હતું. બીજી તરફ વિદ્યાર્થિનીએ વધુ પૈસા ન આપી તેને ત્યાંથી જતા રહેવાનું કહેતાં જ શખસ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણીની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
અચાનક શખસની હરકતથી ભયભીત છાત્રાએ તુરંત જ બુમરાણ મચાવી હતી. જેને પગલે આજુબાજુમાંથી લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતા અને તેમણે શખસ અને તેની સાથેના બાળકને પકડી પાડ્યા હતા. યુવતીએ પોતાની સાથે બનેલી તમામ આપવીતી જણાવતાં જ ટોળાંએ ભીક્ષુકને મેથીપાક ચખાડ્યો હતો. બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને કરવામાં આવેતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને શખસની અટકાયત કરી હતી. તેનું નામ-ઠામ પૂછતાં શખસ મિયાગામ કરજણનો વતની અને હાલમાં તારાપુર ખાતે રહેતો હોવાનું અને તેનું નામ વિક્રમ અમીન સલાટ હોવાનું જણાવ્યું હતું. વિદ્યાનગરમાં યુવતીની છેડતી કરનાર ભીખારીને મેથીપાક ચખાડ્યાં બાદ ટોળાં દ્વારા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.
બીજી તરફ વિદ્યાર્થિની દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે છેડતી કરનારા મીયાગામ કરજણના વતની અને હાલ તારાપુર રહેતો શખસ વિક્રમ સલાટ વિરૂદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા ૧૫૧ અને ૧૦૭ કલમ હેઠળ તેની ધરપકડ કરી મામલતદાર સમક્ષ રજૂ કરાયો હતો. જ્યાં તેનો જામીન પર છૂટકારો થયો હતો. શિક્ષણનગરી એવા વિદ્યાનગરમાં અનેક છોકરીઓ અભ્યાસ અર્થે આવતી હોય છે. અહીં અનેક છોકરીઓ જાહેરમાં બિન્દાસ ફરી શકે છે. જાેકે, આમ છતાંય પોલીસના દિવસ દરમિયાનના પેટ્રોલિંગના અભાવને પગલે અનેક આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.
પરંતુ તે પોલીસ ચોપડે આવતી નથી. પરંતુ જાે ક્યાંય પણ કોઈ છાત્રા સાથે છેડતી સહિત અન્ય કોઈ પ્રકારની ઘટના બને તો તેમણે વિદ્યાનગર પોલીસના (૦૨૬૯૨) ૨૩૦૧૦૦ કે પછી ૧૮૧, અભયમની હેલ્પલાઈનનો સંપર્ક કરવો.આણંદમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનેથી માત્ર ૫૦૦ મીટર દૂર ટ્યૂશનેથી ઘરે પરત જઈ રહેલી છાત્રાની શખસે છેડતી કરતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને પગલે શિક્ષણનગરી તરીકે ઓળખાતા આણંદ-વિદ્યાનગરમાં યુવતીઓની સલામતની લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.
મહત્ત્વની બાબત તો એ છે કે, છેડતી કરનારા શખસે યુવતી પાસે ભીખમાં પૈસા માગતા તેણે પાંચ રૂપિયા આપ્યા હતા. જાેકે ભિક્ષુકે વધુ પૈસા માગતાં તેણે ન આપતાં નરાધમ તેણે છેડતી કરતાં યુવતી હેબતાઈ ગઈ હતી અને તેણે બુમરાણ મચાવતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેને મેથીપાક ચખાડી વિદ્યાનગર પોલીસને હવાલે કર્યો હતો.
Recent Comments