ગુજરાત

આણંદમાં રાલજ ગામે જુગાર રમતા ૭ શખસને પોલીસે ઝડપી ૨૦ હજારની મત્તા કબ્જે કરી

ખંભાત તાલુકાના રાલજ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખસને પોલીસે રંગેહાથ પકડી લીધા હતા અને તેમની પાસેથી ૨૦ હજાર ઉપરાંતની મત્તા ઝપ્ત કરી હતી. આ અંગે તમામ સામે ગુનો નોંધ્યો હતો. ખંભાત ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાલજ ગામમાં બાપા સીતારામની મઢી નજીક બાવળી વાળી ખુલ્લી જગ્યામાં કેટલાક શખસ જાહેરમાં જુગાર રમી રહ્યા છે.

આ બાતમી આધારે પોલીસે ૨૪મી બપોરે દરોડો પાડ્યો હતો. આ દરોડના પગલે નાસભાગ મચી હતી. પરંતુ વિસ્તાર કોર્ડન કરી ૭ શખ્શોને પકડી લીધાં હતાં. આ તમામ શખ્શો પાસેથી પોલીસે રોકડ સહિત કુલ ૨૦,૭૩૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધ્યો હતો.

Related Posts