ગુજરાત

આણંદ જિલ્લામાં વિજયાદશમીનાં કારણે ફાફડાના ભાવમાં કિલોએ ૧૦૦ થી ૧૫૦ નો વધારો થયો

આણંદ જિલ્લામાં વિજયાદશમીનું પર્વ ઉજવાશે. આણંદ, વિદ્યાનગર સહિત જિલ્લામાં દશેરાએ ફાફડા અને જલેબીની લોકો જયાફત માણશે. ફાફડાના કિલોના ભાવમાં રૂ. ૧૦૦થી ૧૫૦નો ભાવ વધારો થયો છે. તેમ છતાં જિલ્લામાં ૧૫,૦૦૦ કિલોથી વધુ ફાફડા અને ૭,૦૦૦ કિલોથી વધુ જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે. દશેરાના દિવસે જલેબી અને ફાફડાની જયાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, પનીર જલેબીની માગ વધી છે અને ચાલુ વર્ષે સીંગ તેલ અને પામોલીન તેલથી બનેલી જલેબીનો કિલોના રૂ. ૨૪૦, ચોખ્ખા ઘીની જલેબી ૫૨૦થી ૫૬૦ અને પનીરની જલેબી રૂ. ૬૫૦થી ૭૦૦, ઇમરતી જલેબી રૂ.૬૦૦ પ્રતિ કિલોના ભાવ છે. નાયલોન ફાડફા કિલોના રૂ. ૩૫૦ થી ૪૫૦, ભુંગળિયા ફાફડા ૪૦૦થી ૪૫૦ના ભાવ છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, ૧૫ દિવસ અગાઉ તેલના ૧૫ કિલોના ડબામાં ર. ૪૩૦થી ૪૮૦નો ભાવ વધારો થયો છે. જેના કારણે ફાફડાના કિલોના ભાવમાં રૂ. ૧૦૦થી ૧૫૦નો ભાવ વધારો થયો છે. જયારે ફાફડા સાથે સંભાર તરીકે કાચા પપૈયાની પણ માગ વધી છે. કાચા પપૈયા પ્રતિ ૨૦ કિલોએ ૬૦૦થી ૭૦૦નો ભાવ જથ્થાબંધ માર્કેટમાં બોલાઇ રહ્યા છે. આજે આણંદ, ઉમરેઠ, સોજીત્રા, પેટલાદ, બોરસદ અને ખંભાત સહિતના સ્થળોએ ફાફડા અને જલેબીની દુકાનોમાં વહેલી સવારથી ખરીદી માટે લોકોની લાઇનો લાગશે અને લોકો લાખો રૂપિયાના ફફાડા અને જલેબી ઝાપટી જશે.

Related Posts