આતંકવાદ-કટ્ટરવાદનો સ્રોત બનતાં રોકવું પડશે :મોદીએ અફઘાનને કહ્યું
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં ઈચ્છિત પરિવર્તન લાવવા માટે એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા તૈયાર કરવાની જરૂર છે. આ સિવાય અફઘાનિસ્તાનમાં સ્થિતિમાં ઈચ્છિત પરિવર્તન લાવવું મુશ્કેલ છે. અફઘાનિસ્તાનના સમાવેશક વહીવટી તંત્રમાં મહિલાઓ અને લઘુમતીઓનો પણ સમાવેશ થવો જાેઈએ.
અફઘાનિસ્તાનમાં છેલ્લા ૨૦ વર્ષમાં આંતરરાષ્ટ્રીય સમાજે હાંસલ કરેલો સામાજિક-આર્થિક વિકાસ જાળવી રાખવા અને કટ્ટરવાદી વિચારસણરીને દૂર કરવા માટે રાજકીય સ્તરે ઉકેલ લાવવો જાેઈએ. જી-૨૦ની આ વિશેષ બેઠક અફઘાનિસ્તાન મુદ્દે યોજાઈ હતી. જી-૨૦ દેશોના શિખર સંમેલનનું આયોજન ઈટાલીથી કરાયું હતું. વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રની મહત્વપૂર્ણ ભૂમિકાનું પણ સમર્થન કર્યું હતું. જી-૨૦ સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનના સર્વાંગી વિકાસમાં ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અફઘાનિસ્તાનની સામાજિક અને આર્થિક દશાને બદલવા માટે ૫૦૦થી વધુ પ્રોજેક્ટને ભારતે મદદ પૂરી પાડી છે. તેનાથી ત્યાંના યુવાનો અને મહિલાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો પણ થયો હતો. આ પ્રયાસોથી ભારત અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે એક વિશેષ મિત્રતાની ભાવના બની. એવામાં હજી પણ ત્યાં જે રીતે માનવીય આપત્તિ અને ભૂખમરાની સ્થિતિ છે તેનાથી આખું ભારત દુઃખી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમાજને આ સંકટમાં અફઘાનિસ્તાનના જરૂરિયાત મંદ લોકો સાથે ઊભા રહેવા વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અફઘાનિસ્તાન મુદ્દે જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. જી-૨૦ દેશોની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ અફઘાન ક્ષેત્રને કટ્ટરવાદ અને આતંકવાદનો સ્રોત બનતું રોકવા પર ભાર મૂક્યો હતો. સાથે તેમણે અફઘાન નાગરિકોને તાત્કાલિક અને કોઈપણ અવરોધ વિના માનવીય સહાય તથા સમાવેશી સરકાર બનાવવાનું આહ્વાન કર્યું હતું.
Recent Comments