પાલિતાણાના મહારાજશ્રી બહાદુરસિંહજી ગોહિલ ગારિયાધારમાં જાહેરસભા ભરીને બેઠા છે. મહારાજને જોવા, સાંભળવા ને પોતાની વાત કહેવા મહેરામણ ઊમટયું છે. મહારાજશ્રીનું આગમન થઈ ચૂક્યું છે.નાના-મોટા અધિકારીઓ આગળ-પાછળ ગોઠવાઈ ગયા છે. દર માસે મહારાજા ગારિયાધારમાં સભા ભરે છે. આજે પણ એ રીતે જ સભા ભરાણી છે. સભામાં છેલ્લે બેઠેલો એક છોકરો પોતાને કંઈક કહેવું છે એટલે પોતાનો હાથ ઊંચો કરે છે. ચોથા ધોરણમાં ભણતા આ છોકરાને પોતાનો હાથ નીચો કરવા માટે અધિકારીઓ ઈશારાથી સૂચના આપે છે. પણ, માને તો એ છોકરો શાનો! એણે પોતાનો હાથ મહારાજાનું ધ્યાન પોતાની તરફ્ ન જાય ત્યાં સુધી ઊંચો જ રાખ્યો. મહારાજાનું ધ્યાન છોકરા તરફ્ જતાં એમણે છોકરાને પાસે બોલાવી શાંતિથી પૂછયું, ‘બેટા! તારે કાંઈ કહેવું છે ?’ નીડરતાથી છોકરો જવાબ આપે છે. ‘બાપુ ! અહીં હાઈસ્કૂલ બંધાવો તો અમે ભણી શકીએ.’ મહારાજે વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, છોકરો ભણવામાં હોશિયાર છે. મહારાજશ્રીએ છોકરાને કહ્યું, ‘બેટા ! હાઈસ્કૂલ તો ભવિષ્યમાં બંધાવીશું જ, પણ તું આગળ ભણવાની ચિંતા ન કરતો. તારો હવે પછીનો ભણવાનો ખર્ચ રાજ્ય ઉપાડશે.’ નવ વર્ષની ઉંમરે મહારાજાને હિંમતપૂર્વક આવું કહેનાર આ છોકરો એટલે વિશ્વપ્રસિદ્ધ ‘લોક-1’ ઘઉંની જાત શોધનાર ભારતના મહાન કૃષિવૈજ્ઞાનિક ડો. ઝવેરભાઈ પટેલ. તેમનો જન્મ પાલિતાણા રાજ્યના ગારિયાધાર ગામે 9 ડિસેમ્બર 1903માં થયો હતો. માતાનું નામ કુંવરબેન અને પિતાનું નામ હરખાભાઈ. પાલિતાણાની હેરિસ સ્કૂલમાંથી ઈ.સ.19ર3માં એ મેટ્રિક પાસ કરે છે. મહારાજાએ ઝવેરને પાલિતાણામાં રહેવાની સગવડ કરી આપી છે. ઝવેરભાઈ મેટ્રિક સારા માર્કસ સાથે પાસ કરીને મહારાજાને મળવા જાય છે તો મહારાજા પૂછે છે; ‘તારે આગળ ભણવું છે?’ તો ઝવેરભાઈ કહે છે, ‘આપ સ્કોલરશિપ આપો તો મારે ભણવું જ છે.’ આ રીતે દર વર્ષ ઝવેરભાઈ સારા માર્કસ લાવી આગળ ભણતા જાય છે ને મહારાજ એને આગળ ભણાવતા જાય છે. પૂનાની ર્ફ્ગ્યુસન કોલેજમાંથી તેઓ બીએસ.સી. થાય છે. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ્ સાયન્સ, બેંગલોર’થી ડિસ્ટિંગ્શન સાથે એમ.એસસી. કરે છે. મહારાજાએ એમને આગળ અભ્યાસ અર્થ ઇંગ્લેન્ડ જવા કહ્યું ત્યારે ઝવેરભાઈએ નમ્રતાપૂર્વક કહેલું. ‘જે દેશ આપણા ઉપર રાજ્ય કરે એ દેશમાં મારે નથી ભણવું. આપ રજા આપો તો હું જર્મની જઈ ખેતીનો અભ્યાસ કરીશ.’ મહારાજાની અનુમતિ મળતા ઝવેરભાઈ તાબડતોબ દિલ્હી જઈ જર્મન ભાષાનો ટૂંકો કોર્સ કરી આવ્યા. એક વર્ષ જર્મનીમાં ભણીને તેઓ ઈ.સ.1931માં અમેરિકા ગયા. ત્યાંથી એમણે ખેતીના વિષયમાં પીએચ.ડી. કર્યું ને પાલિતાણા પરત ર્ફ્યા. પીએચ.ડી.થઈ પરત આવેલા ઝવેરભાઈને જોઈને મહારાજા ખુશ થયેલા એટલે એમણે ઝવેરભાઈને મોટાં રાજ્યમાં સારા પગારથી નોકરીમાં જોડાવા સૂચન કરેલું. મહારાજાની વાત સાંભળી ડો. ઝવેરભાઈએ જે જવાબ આપેલો એ જવાબ ખુમારી ભરેલો હતો. ‘મહારાજ, આપે મને ભણાવ્યો એટલે હવે મારે તો આપને ત્યાં જ નોકરી કરવી છે. મને રહેવાની સગવડ આપો અને રાજ્યને પોસાય તે પગાર આપો.’ મહારાજાએ પછી ડો. ઝવેરભાઈને રહેવા માટે નઝરબાગ મહેલ આપ્યો અને માસિક રૂ,125ના પગારથી નોકરી આપી. રેવન્યૂ કમિશનર તરીકે કામ કરતા હોવા છતાં ઝવેરભાઈ ખાદી પહેરતા હતા. એ નિવૃત્ત થયા ત્યારે એમની પાસે મહારાજાએ આપેલ મકાન અને જમીન સિવાય કોઈ મિલકત નહોતી. નિવૃત્ત થઈ ઈ.સ.1959માં ડૉ. ઝવેરભાઈ પાલિતાણા આવ્યા. આરામ કરવાના બદલે એમણે મોટી ઉંમરે દેશને અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર કરવા બીડું ઝડપ્યું. ઘઉંની જાતો વિકસાવવા આ માણસે 30 વર્ષ સુધી પ્રયોગો કરી અથાક મહેનત કરી. પાલિતાણાની આજુબાજુના ગામોના ખેતરો ભાડે રાખી આઠેક વર્ષ પુરુષાર્થ કર્યો. ‘લોકભારતી’ સણોસરા ખાતે ઘઉં સંશોધનના અખતરા ચાલુ કર્યાં. ‘લોકભારતી’માં પોતાનો જમવાનો ખર્ચ પણ ઝવેરભાઈ ચૂકવી દેતા. સતત ખેડૂતોની ચિંતા કરતા આ માણસને આખરે ઈ.સ. 1974માં ભવ્ય સફ્ળતા હાથ લાગી. પોતાની 71 વર્ષની ઉંમરે ‘લોક-1’ નામે ઘઉંની જાત વિકસાવી ઘઉં ઉત્પાદન ક્ષેત્રના અગાઉના બધા જ રેકોર્ડ એમણે તોડી નાંખ્યા. ભારત સરકારે માન્ય કરેલી આ જાતે બીજી શ્રોષ્ઠ જાતો કરતા 17% વધુ ઉત્પાદન આપી પ્રથમ નંબરે આવી ભારતભરમાં ડંકો વગાડયો. પોતાના ખર્ચે શોધેલી આ જાતનું નામ ‘ઝવેર-1’ રાખવાના બદલે આ જાતને તેમણે ‘લોક-1’ એવું નામ આપી કોઈપણ જાતની પેટન્ટ રાખ્યા વિના રાષ્ટ્રને અર્પણ કરી. ‘લોક-1’ જાતનું પછીના વર્ષોમાં સમગ્ર ભારતમાં વાવેતર થવા લાગ્યું. જેનાથી ખેડૂતોને એ સમયે દર વરસે રૂ.1000 કરોડનો ફયદો થવા લાગ્યો. પ્રસિદ્ધિ ને પૈસાનો મોહ ન હોવાના કારણે એમણે એમની આ શોધ સંબંધી સંશોધનલેખો પ્રકાશિત કરવા ક્યાંય મોકલ્યા નહીં.ધોરણ ચારમાં ભણતા ઝવેરે ગારિયાધારમાં ભરાયેલ જાહેરસભામાં હિંમત કરી હાથ ઊંચો ના કર્યો હોત તો મહારાજાએ એને કાંઈ પૂછયું ના હોત. જો આ પ્રસંગ બન્યો જ ન હોત તો નાનકડો ઝવેર ડૉ. ઝવેરભાઈ પટેલ બન્યો ના હોત. જો આમ ન થયું હોત તો ઘઉંની વધુ ઉત્પાદન આપતી ‘લોક-1’ જાત શોધાઈ ન હોત. પરગજુ સ્વભાવના, ખુમારી ને તીવ્ર બુદ્ધિશક્તિથી ભરપૂર એવા સરળ જીવન જીવનારા ડૉ. ઝવેરભાઈ પટેલ વિશે ઓછા લોકો જાણે છે. એમના ભવ્ય પ્રદાનને નવી પેઢી સામે લાવવું અત્યંત જરૂરી છે. કારણ કે આજે પણ દુનિયાભરમાં ઉત્પાદનક્ષેત્રે ‘લોક-1’ ઘઉંની જાતને ટક્કર મારે એવી જાત શોધાઈ નથી.. સંશોધનના 48 વર્ષ પછી પણ ‘લોક-1’ નંબર વન છે.
આત્મનિર્ભરતા : ઘઉંની જાતો વિકસાવવા આ માણસે 30 વર્ષ સુધી પ્રયોગો કરી અથાક મહેનત કરી

Recent Comments