આત્મનિર્ભર નારી શક્તિ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંવાદનો કાર્યક્રમ
આત્મનિર્ભર નારી શક્તિ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંવાદનો કાર્યક્રમ અન્વયે બાયસેગથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કાર્યક્રમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી મોતીબાગના અટલ બિહારી વાજપેયી હોલ ખાતે યોજાયો હતો.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓનલાઇન વર્ચ્યુઅલના માધ્યમ થકી “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” માં વિવિધ મહિલાઓ સાથે આત્મિયતાસભર સંવાદ સાધ્યો હતો.
ધારાસભ્યશ્રી આર.સી. મકવાણાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે નારી શક્તિના વિકાસ માટે અનેક પગલાઓ ઉઠાવ્યાં છે. તેમણે મહિલા શક્તિને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇને આત્મનિર્ભર બનવાં માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રી વિમા યોજના, કન્યા કેળવણી યોજના સહિત અનેકવિધ મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓ અમલમાં મુકીને છેવાડાની મહિલાઓને પગભર બનાવી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષઃ ૨૦૧૦માં ‘મિશન મંગલમ યોજના’ અમલમાં મૂકીને ૧૦ હજાર સખીમંડળોને ૬ કરોડ રૂપિયા આપીને આત્મનિર્ભર બનાવી છે. ભાવનગર જિલ્લામાં પણ ૧૦ થી ૨૦ બહેનોને ભેગા કરી એક સખી મંડળની રચના કરી છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ મહિલા દિવસના દિવસે ગુજરાતની સખી મંડળોને રૂા. ૧ હજાર કરોડની વ્યાજ વગરની લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે સરકારશ્રીએ ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરી તેમને આર્થિક અને સામાજિક રીતે મહિલાઓને સશક્ત બનાવવાનું કાર્ય હાથ ધરીને મહિલાઓને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડી છે.
મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે બેન્ક મિત્ર, દિવેટ બનાવવાની કામગીરી, વાંસની બોટલ બનાવવાની કામગીરી કરી રહ્યાં છે તેની સાથોસાથ કોવિડ-૧૯ ના સમયગાળામાં પણ સ્વ- સહાય જૂથની બહેનોએ માસ્ક બનાવવાની ઉત્તમ કામગીરી હાથ ધરીને આત્મનિર્ભર બનીને રાજ્ય અને દેશમાં પોતાનું યોગદાન આપીને પ્રગતિ કરી રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓનલાઇન વર્ચ્યુઅલના માધ્યમ થકી યોજાયેલાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” માં વિવિધ મહિલાઓ સાથે આત્મિયતાસભર સંવાદ સાધીને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇને આત્મનિર્ભર બનવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના અન્ય તાલુકા મથકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” ઓનલાઇન વર્ચ્યુઅલના માધ્યમ થકી ગ્રામજનોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી રાહુલ ગમારા, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા નારી શક્તિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી
Recent Comments