આધેડવયના પ્રેમીયુગલને અર્ધનગ્ન કરી થાંભલા સાથે બાંધી ઢોર માર મરાયો
આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસો વધી રહ્યા છે. સોશિયલ મીડિયાના જમાનામાં અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી આજની પેઢી કોઈ શીખ લઈ રહી નથી. ત્યારે સુરતના કપરાડા તાલુકાના કાકડકોપર ગામના પરિણીત અને બે ઉંમરલાયક સંતાનોના આધેડ વયના પિતા અને પારડીના ચીવલ ગામની બે નાના સંતાનો ધરાવતી માતા વચ્ચે એક વર્ષથી બંધાયેલા આડાસંબંધથી રોષે ભરાયેલા મહિલાના પતિએ પ્રેમીપંખીડાનું રવિવારે સાગરીતો સાથે મળીને અપહરણ કર્યું હતુ.
ત્યારબાદ તે બંનેને ચીવલ ગામે લઇ જઈ અર્ધનગ્ન કરીને લાકડાના થાંભલા સાથે બાંધી દીધા બાદ ઢોરમાર માર્યો હતો. જયારે તમાશો જાેઇ રહેલા આજુબાજુના લોકો પૈકી કોઇકે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા, પ્રેમીના પરિવારજનો તાત્કાલિક ચીવલ પહોંચી જઇને ઇજાગ્રસ્ત આધેડને મુક્ત કરાવી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યારે મહિલાને પણ ૧૦૮માં નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
કપરાડા અને પારડી તાલુકામાં ચર્ચાસ્પદ બનેલી આ ઘટનાની વિગત એવી છે કે, પારડીના ચીવલ ગામે રહેતો મહેશ નાયકા (નામ બદલ્યું છે)ના લગ્ન નમિતા (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. દંપતીને સંતાનમાં આશરે ૪થી ૬ વર્ષની ઉંમરના એક પુત્ર અને એક પુત્રી છે. મહેશ ખેતરમાં કામ કરે છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં મહેશ અઘોરીઓના સંપર્કમાં આવ્યો હતો. ત્યારથી તેઓ સાથે ફરવા માંડયો હતો. અઘોરી બનવું હોય તો પત્ની સાથે સૂવાનું નહીં અને શારીરિક સંબંધ બાંધવાથી દૂર રહેવા સહિતની કડક શરતો હોય છે. અઘોરીઓની સંગતમાં પડી ગયેલો મહેશ પત્નીથી દૂર રહેવા માંડયો હતો.
પોતાની શારીરિક સુખની તૃપ્તિ ન થતાં, નમિતા પતિથી નારાજ રહેવા માંડી હતી. બંને વચ્ચે આ બાબતને લઇને તકરાર થતી હતી. દરમિયાન નમિતાને એકાદ વર્ષ પહેલા કાકડકોપર ગામના મિતેશ (નામ બદલ્યું છે) નામના પરિણીત ઇસમ સાથે આંખો મળી ગઇ હતી. મિતેશ પરિણીત છે અને તેને બે સંતાનો છે. બંને સંતાનો લગ્ન કરવાની વય ધરાવે છે. તેમ છતાં પરસ્ત્રીના પ્રેમમાં પડી ગયો હતો. પતિ તરફથી ઉપેક્ષિત બનેલી નમિતા પોતાની શારીરિક જરૂરિયાતો સંતોષવા મિતેશ સાથે આડાસંબંધ બાંધી બેઠી. તે પછી તો નમિતા પ્રેમીને મળવા માટે રોજ ઘરેથી કોઇને કોઇ બહાનું કાઢીને નીકળી જતી હતી. જેથી પતિને શંકા ઉપજી હતી.
બીજી તરફ, પત્ની અને બે મોટા સંતાનો હોવા છતાં મિતેશ તેની પરિણીત પ્રેમિકાના પ્રેમમાં એટલો અંધ બની ગયો કે, નમિતાને રાખવા તૈયાર થઇ ગયો હતો. આ દરમિયાન રવિવારે બંને પ્રેમીપંખીડા કપરાડાના બાલચોંઢી ગામે ખુલ્લા મેદાનમાં ત્યાં અંગત પળો માણવા પહોંચ્યા હતાં. નમિતાના પતિને શંકા તો હતી જ તેથી આજે વોચ રાખીને પોતાના સાગરીતો સાથે બાલચોંઢી ગામે પહોંચી જઇ, પત્નીને તેના પ્રેમી સાથે રંગેહાથ ઝડપી પાડયા હતાં.
મહેશે બંને પ્રેમીપંખીડાઓનું બાલચોંઢીથી બાઇક પર અપહરણ કરી ચીવલ લઇ ગયા બાદ પોતાના ઘરની બહાર લાકડાના થાંભલા સાથે બંનેને બાંધી દઇ અર્ધનગ્ન કરી દીધા હતા. તે પછી બંનેને ફટકાર્યા હતાં. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળ પર ભેગું થઇ ગયું હતું. લોકોએ પ્રેમીઓને બચાવવાને બદલે તમાશો જાેવાની સાથે અર્ધનગ્ન પ્રેમીપંખીડાઓના નફ્ફટાઇપૂર્વક ફોટાઓ પાડયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતાં.
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મિતેશના ફોટા જાેઇને તેના પરિવારજનોએ ચીવલ દોડી આવીને તેને પારડીની જ કોઇક ખાનગી હોસ્પિટલમાં તો નમિતાને ૧૦૮ની મદદથી નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટના અંગે મોડી સાંજ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળે છે.
Recent Comments