fbpx
રાષ્ટ્રીય

આપણે મહર્ષિ અરવિંદમાંથી પ્રેરણા લઈને આપણી જાતને તૈયાર કરવી પડશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવનાં નેજા હેઠળ આજે પુડુચેરીનાં કંબન કલાઈ સંગમમાં શ્રી અરવિંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનાં કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું હતું. આ સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ શ્રી અરવિંદની ૧૫૦મી જન્મજયંતિનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેને સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, રાષ્ટ્ર શ્રી અરવિંદને સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશના આ પ્રકારના પ્રયાસોથી ભારતના સંકલ્પોને નવી ઊર્જા અને તાકાત મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે એકસાથે અનેક મહાન ઘટનાઓ બને છે, ત્યારે તેની પાછળ ઘણી વખત ‘યોગ-શક્તિ’ એટલે કે સામૂહિક અને એકતાની શક્તિ હોય છે. પ્રધાનમંત્રીએ ઘણી મહાન વિભૂતિઓને યાદ કરી હતી, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં માત્ર યોગદાન જ નથી આપ્યું, પરંતુ દેશના આત્માને નવું જીવન પણ આપ્યું છે.

તેમાંથી ત્રણ વ્યક્તિત્વ શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનાં જીવનમાં એક જ સમયે ઘણી મહાન ઘટનાઓ બની હતી. આ ઘટનાઓએ આ વ્યક્તિત્વોનાં જીવનમાં માત્ર પરિવર્તન જ નથી લાવ્યું, પરંતુ રાષ્ટ્રીય જીવનમાં દૂરગામી પરિવર્તન પણ લાવ્યું હતું. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, ૧૮૯૩માં શ્રી અરવિંદ ભારત પરત ફર્યા હતા અને એ જ વર્ષે સ્વામી વિવેકાનંદ વિશ્વની ધર્મસંસદમાં તેમનું જાણીતું ભાષણ આપવા અમેરિકા ગયા હતા. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ જ વર્ષે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા, જેનાં પરિણામે તેમનાં મહાત્મા ગાંધીમાં પરિવર્તનની શરૂઆત થઈ હતી. તેમણે વર્તમાન સમયમાં પણ આ જ પ્રકારની ઘટનાઓના સંગમની નોંધ લીધી હતી, જ્યારે દેશ આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને અમૃત કાલની પોતાની યાત્રાની શરૂઆત કરી રહ્યો છે, સાથે જ આપણે શ્રી અરવિંદની ૧૫૦મી જયંતી અને નેતાજી સુભાષની ૧૨૫મી જયંતીના સાક્ષી બની રહ્યા છીએ. “જ્યારે પ્રેરણા અને કાર્ય ભેગાં થાય છે, ત્યારે અશક્ય લાગતું લક્ષ્ય પણ અનિવાર્યપણે સિદ્ધ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, અમૃત કાલમાં આજે રાષ્ટ્રની સફળતાઓ અને ‘સબ કા પ્રયાસો’નો સંકલ્પ આ વાતનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી અરવિંદનું જીવન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતિબિંબ છે, કારણ કે તેમનો જન્મ બંગાળમાં થયો હતો અને તેઓ ગુજરાતી, બંગાળી, મરાઠી, હિંદી અને સંસ્કૃત સહિત ઘણી ભાષાઓ જાણતા હતા. તેમણે પોતાનું મોટાભાગનું જીવન ગુજરાત અને પુડુચેરીમાં વિતાવ્યું હતું અને જ્યાં પણ ગયા ત્યાં એક ઊંડી છાપ છોડી હતી. શ્રી અરવિંદના ઉપદેશો પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે આપણે આપણી પરંપરા અને સંસ્કૃતિ વિશે જાગૃત થઈએ છીએ અને તેમાંથી જીવન પસાર કરવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે એ જ ક્ષણે આપણી વિવિધતા આપણાં જીવનની સ્વાભાવિક ઉજવણી બની જાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આઝાદી કા અમૃત કાલ માટે આ એક મહાન પ્રેરણાનો સ્ત્રોત છે. આના સિવાય એક ભારત, શ્રેષ્ઠ ભારતને સમજાવવા માટે આનાથી વધુ સારો કોઈ રસ્તો નથી.” પ્રધાનમંત્રીએ કાશી તમિલ સંગમમ્?માં સહભાગી થવાની તકને યાદ કરી હતી અને કહ્યું હતું કે,કાશી તમિલ સંગમમે દર્શાવ્યું હતું કે, આજનો યુવા વર્ગ ભાષા અને ભૂષા-પહેરવેશના આધારે ભેદ કરતી રાજનીતિને પાછળ છોડીને એક ભારત શ્રેષ્ઠ ભારતની રાજનીતિને અપનાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજે આઝાદી કા અમૃત મહોત્સવ અને અમૃત કાલમાં આપણે કાશી તમિલ સંગમમ્?ની ભાવનાનો વિસ્તાર કરવાનો છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, શ્રી અરવિંદ એક એવું વ્યક્તિત્વ હતા, જેમનું જીવન આધુનિક વૈજ્ઞાનિક શોધ સ્વભાવ, રાજકીય પ્રતિશોધ અને બ્રહ્મબોધ પણ ધરાવતું હતું. પ્રધાનમંત્રીએ બંગાળનાં વિભાજન દરમિયાન તેમના ‘સમાધાન નહીં’ના નારાને યાદ કર્યા હતા.

તેમની વૈચારિક સ્પષ્ટતા, સાંસ્કૃતિક શક્તિ અને દેશભક્તિએ તેમને તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આદર્શ બનાવ્યા. શ્રી મોદીએ શ્રી અરવિંદના ઋષિ-જેવાં પાસાંઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેઓ ઊંડા દાર્શનિક અને આધ્યાત્મિક મુદ્દાઓને આગળ વધારતા હતા. તેમણે ઉપનિષદોમાં સમાજસેવાનું તત્વ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આપણે વિકસિત ભારતની આપણી આ સફરમાં કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથિ વિના તમામ વિચારોને અપનાવી રહ્યા છીએ. અમે ‘ઇન્ડિયા ફર્સ્ટ’ના મંત્ર સાથે કામ કરી રહ્યા છીએ અને આપણા વારસાને ગૌરવ સાથે સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, શ્રી અરવિંદનું જીવન જ ભારત પાસે રહેલી અન્ય એક તાકાતને મૂર્તિમંત કરે છે, જે પાંચ પ્રતિજ્ઞાઓમાંની એક પ્રતિજ્ઞા “ગુલામીની માનસિકતામાંથી મુક્તિ” પણ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારે પશ્ચિમી પ્રભાવ હોવા છતાં, જ્યારે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે, શ્રી અરવિંદ જેલમાં તેમના કાર્યકાળ દરમિયાન ગીતાના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અવાજ તરીકે ઉભરી આવ્યા હતા. શ્રી મોદીએ વધુમાં યાદ કર્યું હતું કે, તેમણે રામાયણ, મહાભારત અને ઉપનિષદોથી માંડીને કાલિદાસ, ભવભૂતિ અને ભરતહરિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને તેનો અનુવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લોકો શ્રી અરવિંદના વિચારોમાં ભારતનાં સાક્ષી બન્યાં હતાં, એ જ અરવિંદ, જેમને એક સમયે તેમની યુવાનીમાં ભારતીયતાથી દૂર રાખવામાં આવ્યા હતા. આ જ ભારત અને ભારતીયતાની સાચી તાકાત છે.” પ્રધાનમંત્રીએ સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ પર ટિપ્પણી કરવાનું ચાલુ રાખતા કહ્યું હતું કે, “ભારત એક એવું અમર બીજ છે, જેને પ્રતિકૂળથી પ્રતિકૂળ સંજાેગોમાં થોડુંક દબાવી દેવામાં આવે, થોડુંક સૂકાઈ જાય, પણ તે મરી ન શકે.”

પ્રધાનમંત્રીએ સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ પર ટિપ્પણી કરવાનું ચાલુ રાખ્યું અને કહ્યું, “ભારત માનવ સંસ્કૃતિનો સૌથી વધુ શુદ્ધ વિચાર છે, માનવતાનો સૌથી સ્વાભાવિક સ્વર છે.” ભારતની સાંસ્કૃતિક અમરતા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહર્ષિ અરવિંદના સમયમાં પણ ભારત અમર હતું અને આઝાદી કા અમૃત કાળમાં આજે પણ તે અમર છે.” પ્રધાનમંત્રીએ આજની દુનિયા જે ભયંકર પડકારોનો સામનો કરી રહી છે તેની નોંધ લઈને પોતાનાં સંબોધનનું સમાપન કર્યું હતું અને આ પડકારોનો સામનો કરવામાં ભારતની ભૂમિકાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, “એટલે જ આપણે મહર્ષિ અરવિંદમાંથી પ્રેરણા લઈને આપણી જાતને તૈયાર કરવી પડશે અને સબકા પ્રયાસ દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવું પડશે.”

Follow Me:

Related Posts