આપના સાંસદો ખેડૂત આંદોલનનો મુદ્દે વેલ સુધી ધસી જતાં હોબાળો મચ્યો રાજ્યસભામાં વિપક્ષનો હોબાળોઃ આપના ત્રણ સાંસદોને કરાયા સસ્પેન્ડ
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ખેડૂતોના મુદ્દે બુધવારે ભારે હંગામો થયો હતો. સદનની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમય બાદ આમ આદમી પાર્ટીના ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આપના સાંસદો ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવી છેક વેલ સુધી પહોંચી ગયા હતાં. સભાપતિએ આપના સાંસદોની નારેબાજી અને હંગામાને ધ્યાનમાં રાખી તેમને સસ્પેન્ડ કરી દીધા હતાં.
આપના આ સાંસદોને માર્શલની મદદથી બદનની બહાર કરવામાં આવ્યા હતાં. આ ત્રણેય સાંસદોને સદનની કાર્યવાહીથી દિવસભર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
આ અગાઉ ત્રણ નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આંદોલનના મુદ્દે રાજ્યસભાની કાર્યવાહીને પાંચ મીનીટ માટે સ્થગિત કરવામાં આવી હતી. કાર્યવાહી ફરીથી શરૂ થતા સભાપતિ વેંકૈયા નાયડૂએ આપના ત્રણ સાંસદ સંજય સિંહ, સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તાને સદનની બહાર ચાલ્યા જવાની નોટિસ આપી હતી. પરંતુ આ સાંસદોએ આદેશનું પાલન ના કરતા સભાપતિએ માર્શલ બોલાવીને ત્રણેયને સદનની બહાર કાઢી મુક્યા હતાં.
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે, જ્યારે મુદ્દાઓ પર ચર્ચા કરવાનો સમય છે તો પછી નારેબાજી કેમ કરવામાં આવી રહી છે? સભાપતિએ કહ્યું હતું કે, આ સરમુખત્યારશાહી નહીં ચાલે. સભાપતિ સંજય સિંહ, સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તાનું નામ લઈ કાર્યવાહી સુચારૂ રૂપે ચાલવા દેવાની અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભામાં ત્રણ જ સાંસદો છે.
આ અગાઉ કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ ખેડૂત આંદોલનના મુદ્દે સંસદની કાર્યવાહી સ્થગિત કરવાની નોટિસ ફટકારી હતી. બસપા, સીપીઆઈ, ટીએમસી, ડીએમકે, સીપીઆઈ-એમએ પણ સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો હતો.
Recent Comments