અમરેલી

આયુષ્માન ભારત : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે

ભારતના નાગરિકોને આરોગ્ય સુરક્ષા મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં આરોગ્ય કવચની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આરોગ્ય સુરક્ષા કવર સ્વરુપ આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. શરુઆતમાં આ આયુષ્માન કાર્ડની મદદથી લાભાર્થીને રુ.૫ લાખ સુધીની સારવારના ખર્ચ માટેનો લાભ મળી શકતો હતો. હવે આ યોજના અન્વયે આયુષ્માન કાર્ડ ધારક રુ.૧૦ લાખ સુધીની મર્યાદામાં સારવાર ખર્ચનો લાભ મેળવી શકે છે.

     વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે, તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના ચરખા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.

       વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ચરખા ગામના વતની શ્રી હંસાબેન વિપુલભાઈ કુવાડિયાએ ‘મેરી કહાની-મેરી ઝુબાની’ અંતર્ગત સ્વ-અનુભવો જણાવ્યા હતા. શ્રી હંસાબેને જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ અન્વયે મને સીઝર ઓપરેશન વખતે મદદ મળી અને આ માટેની સારવાર પણ નિઃશુલ્ક મળી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે સારવાર વિનામૂલ્યે મળતા શ્રી હંસાબેને સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને સારવારમાં સરકાર દ્વારા સહાય મળી રહે છે. આર્થિક રીતે નબળા પરિવારને આ સહાય થકી આરોગ્ય સુરક્ષા કવચ મળી રહ્યું છે. તેમણે  ઉમેર્યુ કે, આયુષ્માન કાર્ડ અમારા માટે આશિર્વાદ સમાન સાબિત થયું છે. વધુમાં જણાવ્યું કે, યોજનાકીય સહાય માટેના માપદંડોમાં આવતા હોય તે તમામ નાગરિક  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડ મેળવવા માટે અરજી કરવી જોઈએ.

Related Posts