બોલિવૂડ

‘આરઆરઆર પાર્ટ ટુ’માં પણ જુનિયર એનટીઆર અને રામચરણ હશે

એસએસ રાજામૌલિની ફિલ્મ ‘આરઆરઆર’એ ભારતીય સિનેમામાં ઇતિહાસ રચ્યો હતો. ફિલ્મનાં ‘નાટુ નાટુ’ ગીતે ૨૦૨૩ ઓસ્કરમાં ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’નો એવોર્ડ મેળવ્યો હતો. ૮૦મા ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્‌સ’ના રેડ કાર્પેટ પર બોલતા રાજામૌલિએ જણાવ્યું હતું કે, “ફિલ્મની સિક્વલની પ્રોસેસ ચાલુ છે.” આરઆરઆરે ગ્લોબલ લેવલ પર ઇતિહાસ રચ્યો છે ત્યારે સિક્વલ પર પણ બધાંની નજર છે. હવે ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર અને રાજામૌલિના પિતા વિજયેન્દ્ર પ્રસાદે સિક્વલ પર અપડેટ આપીને બધાને ચોંકાવી દીધા છે. એક તેલુગુ ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં વિજયેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે, “સિક્વલમાં રામચરણ અને જુનિયર એનટીઆર ફરી ભેગા થઇ શકે છે પણ ફિલ્મનું દિગ્દર્શન રાજામૌલિ નહીં કરે. તેમનાં સુપરવિઝનમાં કોઇ હોલીવુડનાં ડિરેક્ટર કરશે. આ ફિલ્મને હોલીવુડનાં સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવવામાં આવશે.” તેમણે જણાવ્યું હતું કે “આરઆરઆરની સિક્વલની કહાની લીક થઈ ગઈ છે. ફિલ્મ સ્વતંત્રતા પહેલાંના તેલુગુ રાજ્યો પર આધારિત હશે.” પાર્ટ વનમાં રામચરણ અને જુનિયર એનટીઆરે મહાન સ્વતંત્રતા સેનાનીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની ભૂમિકા ભજવી હતી. જે આ બે સેનાનીઓની કાલ્પનિક મુલાકાત પર આધારિત હતી. આરઆરઆરે ૨૦૨૨માં વિશ્વભરમાં રૂ. ૧૨૩૬ કરોડની કમાણી કરી હતી. રામચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ, અજય દેવગણ, શ્રીયા સરનનાં મજબૂત અભિનયે કમાલ કરી હતી. રાજામૌલિનાં આગામી પ્રોજેક્ટ્‌સની માહિતી આપતા વિજયેન્દ્રએ જણાવ્યું કે, “એસ એસ એમ બી ૨૯” નામનું કામચલાઉ શિર્ષક ધરાવતી ફિલ્મમાં મહેશબાબુ લીડ રોલમાં છે અને ઇન્ડિયાના જાેન્સ સિરીઝથી પ્રેરિત એડવન્ચર જાેનરની ફિલ્મ છે. ફિલ્મ ડિસેમ્બર મહિનામાં ફ્લોર પર જશે. આ ફિલ્મનું શૂટિંગ પુરું થયા પછી મહાભારત પરથી ફિલ્મ બનાવવાની દિશામાં કામ શરૂ થશે. જાે કે તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં રાજામૌલિ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરશે. હાલમાં જુનિયર એનટીઆર ડિરેક્ટર કોરાતાલા સિવાની ફિલ્મ “દેવારા”માં કામ કરી રહ્યા છે, જે એક્શન ડ્રામા છે. ફિલ્મમાં જ્હાનવી કપૂર અને સૈફ અલીખાન મહત્વની ભૂમિકામાં છે. રામચરણ દિગ્દર્શક એસ શંકરની ફિલ્મ “ગેમ ચેઇન્જર”ની રિલીઝ માટે સજ્જ છે, જેમાં કિયારા અડવાણી તેની હીરોઇન છે.

Follow Me:

Related Posts