આવતા દિવસોમાં પાણી વગરના જીવનની કલ્પના ચિંતાજનક – શ્રી કાંતિભાઈ ગોઠી
જળ શક્તિ મંત્રાલય અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા ખાતે ભૂગર્ભજળ માહિતી અને પ્રબંધન વિશે ગ્રામ સ્તરીય વિચાર વિમર્શ કાર્યક્રમમાં લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના વડા શ્રી કાંતિભાઈ ગોઠીએ આવતા દિવસોમાં પાણી વગરના જીવનની કલ્પના ચિંતાજનક હોવાનું જણાવ્યું.
સમગ્ર વિશ્વમાં પાણી માટેની ચિંતા અને કરકસર માટે વ્યાપક અભ્યાસ ચિંતન શરૂ છે. આ પરિસ્થિતિ સંદર્ભે જળ શક્તિ મંત્રાલય અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરા ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો.
કેન્દ્રીય ભૂમિ જળ વિભાગની પશ્ચિમ મધ્ય ક્ષેત્ર અમદાવાદ કચેરી દ્વારા આ વિચાર વિમર્શમાં લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના વડા શ્રી કાંતિભાઈ ગોઠીએ પાણી સંદર્ભે વિશ્વયુદ્ધની વાત સાથે રાજ્યોના પાણી વિવાદોનો ઉલ્લેખ કરી આવતા દિવસોમાં પાણી વગરના જીવનની કલ્પના ચિંતાજનક હોવાનું જણાવ્યું. તેઓએ આ વિસ્તારમાં લોકભારતી દ્વારા થયેલ જળ સંગ્રહ અને તેના સારા પરિણામોનો ઉલ્લેખ કર્યો.
આ ગ્રામ સ્તરીય વિચાર વિમર્શ કાર્યક્રમ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભાવનગરના વડા શ્રી નિગમ શુક્લે ભૂગર્ભ જળ ખેંચ ચિંતા સાથે સામૂહિક પ્રયાસો પર ભાર મૂકવો અનિવાર્ય ગણાવ્યો.
ભૂગર્ભ જળ સંદર્ભે જાળવણી તેમજ ભૌગોલિક સ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિના અભ્યાસ સાથે પડકાર વગેરે બાબતો પર અધિકારી વૈજ્ઞાનિકો દ્વારા સુંદર આકલન રજૂ કરાયેલ.
અહી શ્રી આકાશ જોષી, શ્રી ચિરાગ કરકર તથા શ્રી કમરૂ જમા ખાન દ્વારા વિચાર વિમર્શ રજૂ થયેલ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરાના શ્રી વિનીત સવાણીના સંચાલન સાથે અહી આ કાર્યક્રમમાં શ્રી લુકમાન પટેલ, શ્રી સદામ હુસેન, શ્રી પ્રદીપ ક્યાડા અને શ્રી અરીબા કમાલ દ્વારા પ્રાસંગિક અભ્યાસ વિગતો આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આજુબાજુના ખેડૂત, કાર્યકરો તેમજ સ્થાનિક વિદ્યાર્થીઓ જોડાયા અને પાણી સંદર્ભે પ્રશ્નોત્તરી ચર્ચા કરવામાં આવી હતી
Recent Comments