ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ એટલે કે ૧૫ જુલાઈને ગુરૂવારથી ધો.૧૦ અને ૧૨ના રીપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. આ પહેલા રિપીટર અને એકસટર્નલ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. આ પિટીશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે ટકોર કરી કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ લઈ જવાનું છે, નીચું નહીં. આ સાથે જ હાઈકોર્ટે વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન આપવા પણ ટકોર કરી છે.
આ પહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે, રિપીટર માટે જાહેર કરવામાં આવેલો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે. આ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને પત્ર લખી રિપીટરની પરીક્ષા રદ કરવા માંગ કરી હતી. આ માંગનો છેદ ઉડાવતા શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રિપીટરની પરીક્ષા નક્કી થયેલી તારીખે યોજાશે.
Recent Comments