આવતીકાલથી સંસદનું બજેટ સત્રઃ સરકાર-વિપક્ષ વચ્ચે ટક્કરના એંધાણ
આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે અને આ સત્ર દરમિયાન વિપક્ષે સરકારને વિવિધ મુદ્દે ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. દેશની રાજધાનીમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ૨ મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા અમલમાં આવ્યા ત્યારથી વિપક્ષો પણ સતત સરકાર પર આંકરા પ્રહાર કરી રહ્યા છે. તેવામાં કાલથી શરુ થતા બજેટ સત્રમાં હવે સરકારને ઘેરવાની તૈયારી વિપક્ષે કરી લીધી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ તરફથી નવા કૃષિ કાયદા, ચીન અને કોરોના સંકટ અને કથડતી અર્થવ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી વિપક્ષે કરી છે. આ તમામ મુદ્દા પર વિપક્ષના પ્રશ્નોના જવાબ સરકારે આપવા પડશે. આ સત્ર દરમિયાન નાણામંત્રી ર્નિમલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજુ કરવાના છે.
બજેટ સત્ર શરુ થાય તે પહેલા આ મામલે વિપક્ષી નેતાઓએ સરકારને કેવી રીતે ઘેરવી તે મામલે રણનીતિ ઘડવા એક વીડિયો કોન્ફરન્સ પણ કરી હતી. બજેટ સત્રના પહેલા જ દિવસે એટલે કે શુક્રવારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, રાજેડી, શિવસેના, આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિતની વિપક્ષી પાર્ટી સંયુક્ત રીતે મોદી સરકારનો વિરોધ કરવા સહમત થઈ છે. વિપક્ષના એક નેતાએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણનો પણ બહિષ્કાર કરી દેવાનું સુચન કર્યું છે. જાે કે આ મામલે હજુ સુધી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.
સંસદનું સત્ર ૨૯ જાન્યુઆરી અને શુક્રવારથી શરુ થશે અને ૧ ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. અર્થવ્યવસ્થાની બાબતે પહેલાથી જ ઘેરાઈ ચુકેલી સરકાર માટે આ બજેટ સત્ર સરળ નહીં હોય. પરંતુ સૌથી મોટી સમસ્યા સરકાર માટે નવા કૃષિ કાયદા બની શકે છે. ખેડૂતો અને સરકાર વચ્ચે જે સંગ્રામ ચાલી રહ્યો છે તે બજેટ સત્રમાં પણ સરકારને નડતરરૂપ બનશે તેવું લાગે છે. આ ઉપરાંત કોરોનાના કારણે અર્થવ્યવસ્થાને જે ફટકો પડ્યો છે તેને સુધારવું પણ સરકાર માટે સંકટ છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સીપીઆઈએમ પ્રમુખ સીતારામ યેચુરી અને કેટલાક અન્ય વિપક્ષી નેતાઓના સંપર્કમાં છે. આ સાથે જ સોનિયા ગાંધીએ મજદૂર કિસાન શક્તિ સંગઠનના નિખિલ ડેને પત્ર લખી અને આશ્વાસન આપ્યું છે કે સંસદમાં સૌથી પહેલા કોંગ્રેસ ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવશે. વિપક્ષ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ્દ કરવા માંગ કરશે.
આ અંગે સૂત્રોના જણાવ્યાનુસાર વિપક્ષી નેતાઓ એવો દાવો પણ કરે છે કે ભાજપ્ના સહયોગી નથી તેવા તમામ પક્ષ આ બજેટ સત્રમાં મોદી સરકાર વિરુદ્ધ એકજૂટ થઈ વિવિધ મુદ્દે સરકારને ઘેરશે. આ અંગે તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે તેમની બેઠક હજુ મળી નથી. પરંતુ તેમની કાર્યયોજના તૈયાર થઈ ચુકી છે. યેચુરીએ પણ કહ્યું છે કે ખેડૂતોનો મુદ્દો તમામ વિપક્ષી પાર્ટીઓ માટે એક થવાનું માધ્યમ બનશે. આ સિવાય તેઓ આર્થિક સ્થિતિ અને ભારત-ચીન વચ્ચેના સંઘર્ષ પર પણ ચર્ચાની માંગ કરશે.
Recent Comments