આવતીકાલે તા.૧ ઓગસ્ટના જ્ઞાનશક્તિ દિવસ નિમિતે કૃષિમંત્રી આર.સી.ફળદુ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરશે
પ્રવર્તમાન સરકારશ્રીનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે આજે ૧ ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં યુનિવર્સીટીઓ ખાતે લાભાર્થી-વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણની વિવિધ યોજનાઓનો લાભ બહોળા પ્રમાણમાં મળી રહે તે અંતર્ગત લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણ કરવા અર્થે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે સંદર્ભે ગુજરાત રાજ્યના કૃષિમંત્રીશ્રી આર. સી. ફળદુ મોંઘી બા આર્ટસ કોલેજ ખાતે ‘૫ વર્ષ આપણી સરકારના – સૌના સાથ, સૌના વિકાસ’ અંતર્ગત “નમો ઈ-ટેબલેટ”, “શોધ યોજના” તથા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનાં ભાગરૂપે લાભાર્થી વિદ્યાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવશે, આ સંદર્ભેનો મુખ્ય કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે.
રાજ્યના વિદ્યાર્થીઓ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીસમાં નિપુણ બની શકે તે હેતુથી ૨૦૧૭થી નમો ઈ-ટેબલેટ યોજના અમલમાં છે. રાજ્યમાં આવેલી માન્ય યુનિવર્સીટીઓમાં પી.એચડી. કોર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત સંશોધન કરી શકે તે માટે આર્થિક સહાય પૂરી પાડતી શોધ યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે. ઉપરાંત રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં છે. જે અંતર્ગત પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે. આ તમામ યોજનાના લાભાર્થીઓને આજે ૧ ઓગષ્ટ ૨૦૨૧ ને રવિવારના રોજ સહાય વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કુલ ૫ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ, શોધ યોજનાના ૯ લાભાર્થીઓને ૧.૩૫ લાખની સહાય તેમજ MYSY અંતર્ગત ૧૦ લાભાર્થીઓને ૪.૨૧ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે.
Recent Comments