આવતીકાલે મુખ્યમંત્રીશ્રીને આવકારવા તંત્ર દ્વારા તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

આવતીકાલે ૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન હાથ ધરવામાં આવતા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કોરોનાકાળ દરમિયાન સ્થગિત થયેલ ગરીબ કલ્યાણ મેળાઓ ફરીથી શરૂ થતાં રાજ્યભરમાં તા. ૨૪,૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ દાહોદ, ૨૫ ફેબ્રુઆરીના રોજ મોરબી તેમજ ૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલી મુકામે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું આબેહૂબ રિહર્સલ નિહાળ્યું હતું.. જેમાં તમામ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની કાર્યક્રમના સ્થળે સમીક્ષા કરી હતી. અધિકારીશ્રીઓએ સોંપવામાં આવેલી કામગીરી અંગે કલેકટરશ્રીને માહિતગાર કર્યા હતા.
આ તકે જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ, રાજુલા પ્રાંત અધિકારી શ્રી કે. એસ. ડાભી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષા બારોટ તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ અને સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરતા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જ્યારથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું અમરેલી આવવાનું નક્કી થયું છે ત્યારથી જ સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ કમિટિઓની મિટિંગ તેમજ કામગીરીની સોંપણી કરી ગરીબ કલ્યાણ મેળાના આયોજન અને વધુને વધુ લાભાર્થીઓને લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Recent Comments