ગુજરાત

આહવામાં ઈસખંડી જાગીરી મંડળના બે હોદ્દેદાર સામે છેતરપિંડીની ફરિયાદ

થોડા સમય પૂર્વે આહવામાં ઈસખંડી જાગીરી ગ્રામ વિકાસ મંડળનાં પ્રમુખ સમદરાવ પવારની આગેવાનીમાં મોટી સંખ્યામાં સભાસદોએ રેલી કાઢી કલેક્ટર કચેરીને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં ગેરકાયદેસર રીતે ખાખી ગણવેશ પહેરી સભાસદોએ તંત્રને બાનમાં લેવાનાં પ્રયત્નો કરતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડાંગ જિલ્લાની ઈસખંડી જાગીરી ગ્રામ વિકાસ મંડળનાં પ્રમુખ સમદરાવ પવાર તથા હોદ્દેદારોએ સભાસદોને લોગોવાળા ખાખી ગણવેશ આપવાની હિલચાલ પણ કરી હતી.

ઈસખંડી જાગીરી ગ્રામ વિકાસ મંડળનાં પ્રમુખ સમદરાવ પવાર, રમેશભાઈ સોનુભાઈ પવાર, મોહનભાઈ સહિતનાએ અમદાવાદ ખાતે ગુજરાત પોલીસ એન્ડ મિલેટ્રી સ્ટોરનાં નામે મિલેટ્રી તેમજ ડિફેન્સને લગતા યુનિફોર્મનો ધંધો કરતા કાપડનાં વ્યાપારી ધવલભાઈ ભવાનીશંકર બાહેતીનો સંપર્ક સાધી ૨૦૦૦ જેટલા યુનિફોર્મ સહિત સાધન સામગ્રીનો ઓર્ડર આપ્યો હતો. અહીં કાપડનાં વ્યાપારીને ઈસખંડી જાગીરી ગ્રામ વિકાસ મંડળનાં પ્રમુખ સહિત ૨૨ હોદ્દેદારોએ તેઓનું ટ્રસ્ટ સરકાર માન્ય જણાવી લેટરપેડ રજૂ કરી યુનિફોર્મ સહિત અન્ય વસ્તુઓ કુરિયરથી મંગાવી લીધી હતી.

આ સાધન સામગ્રીનાં થોડાક નાણાં ચૂકવી આપ્યા હતા અને બાકી રૂ. ૫.૫૦ લાખ આપવા માટે અમદાવાદના વ્યાપારીને ડાંગ જિલ્લાની ઈસખંડી જાગીરી ગ્રામ વિકાસ મંડળનાં પ્રમુખ સમદરાવ ધેડુ પવાર, રમેશભાઈ સોનુભાઈ પવાર અને મોહનભાઈ સહિતના છેલ્લા ૩ મહિનાથી ગલ્લાતલ્લા કરી રહ્યાં હતા. જેથી અમદાવાદનાં કાપડનાં વ્યાપારીને ૫.૫૦ લાખની છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેઓએ ગતરોજ આહવા પોલીસ મથકમાં ડાંગ જિલ્લાની ઈસખંડી જાગીરી ગ્રામ વિકાસ મંડળનાં પ્રમુખ સમદરાવ પવાર, રમેશભાઈ સોનુભાઈ પવાર સહિત મોહનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આહવા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરતા ખળભળાટ મચી ગયો છે.

ડાંગ જિલ્લાની ઈસખંડી જાગીરી ગ્રામ વિકાસ મંડળનાં પ્રમુખ સહિત હોદ્દેદારોએ લેટરપેડ રજૂ કરી અમદાવાદનાં કાપડનાં વેપારી પાસે યુનિફોર્મ સિવડાવી ૫.૫૦ લાખનો ચુનો ચોપડી છેતરપિંડી કરતા વ્યાપારીએ જાગીરી મંડળનાં પ્રમુખ સહિત બે હોદ્દેદારો સામે આહવા પોલીસ મથકમાં ફરિયાદ આપતા આહવા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ડાંગ જિલ્લાની ઈસખંડી જાગીરી ગ્રામ વિકાસ મંડળ દ્વારા ડાંગ જિલ્લાની તમામ સંપત્તિ તેઓની હોવાનો દાવો કરી તંત્રનાં નાકે દમ લાવી દીધો હતો.

Follow Me:

Related Posts