રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો મગની છુટ્ટી દાળ, કેરીના રસ સાથે ખાવાની મજા આવશે

ગરમીની સિઝનમાં રસ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. એમાં પણ રસ સાથે કોઇ મગની છુટ્ટી દાળ આપે તો ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. મગની છુટ્ટી દાળ ગરમીમાં ખાવાની બહુ જ મજા આવે છે. જો કે અનેક લોકોની ફરિયાદ હોય છે કે મગની દાળ જે પ્રમાણમાં છુટ્ટી બનવી જોઇએ એવી બનતી નથી. આમ, જો તમારાથી પણ કંઇક આવું જ થાય છે તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મગની છુટ્ટી દાળ.

સામગ્રી

1 વાડકી મગની મોગર દાળ

જરૂર મુજબ પાણી

2 થી 3 કળી લસણ

હળદર

મરચું

મીઠું

ધાણાજીરું

તેલ

હિંગ

મીઠો લીમડો

જીરું

બનાવવાની રીત

  • મગની છુટ્ટી દાળ બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળને બે વાર ધોઇને 10 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.
  • હવે એક કઢાઇમાં તેલ ગરમ મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું નાંખો અને પછી હિંગ નાંખો.
  • ત્યારબાદ મીઠો લીમડો નાંખો.
  • હવે મગની દાળને વઘારમાં નાંખો.
  • આ મગની દાળ જેટલી હોય એટલું જ પાણી નાંખવું જેથી કરીને છુટ્ટી થાય. જો પાણી વધારે પડશે તો મગની દાળ છુટ્ટી નહિં બને અને ટેસ્ટમાં પણ સારી નહિં લાગે.
  • હવે આ મગની દાળમાં મીઠું, મરચું, હળદર અને ધાણાજીરું નાંખો.
  • પછી ધીમા ગેસે મગની દાળને થવા દો.
  • હવે એમાં પાણી ના રહે એટલે મગની દાળ જોઇ લો કે કાચી તો નથી રહી ગઇને.
  • જો મગની દાળ થઇ ગઇ હોય તો ગેસ બંધ કરી દો.
  • તો તૈયાર છે મગની છુટ્ટી દાળ.

Related Posts