fbpx
અમરેલી

આ વસંત પંચમી અને વેલેંટાઈન કેવો અજબ સંયોગ…. અણિશુદ્ધ પ્રેમ અને કુદરતનું પ્રાકૃતિક સૌંદર્ય. સ્નેહ સમર્પણ અને પ્રેમની સમ્યક વિભાવના… 

વસંત પંચમી અને વેલેંટાઈન ડે. કેવો અજબ સંયોગ.. બંનેનો પ્રારંભ વ થી થાય છે અને અંતિમ બિંદુ નિર્મળ પ્રેમ..પ્રેમ એટલે આપીને પામવાનનું આવિર્ભાવનું પ્રાગટય. ઘણાં વર્ષો બાદ આ સંયોગ પણ સર્જાયો છે…!! વિચારધારા પૂર્વાભિમુખ હોય કે પશ્ર્ચિમાભિમુખ એક વાત તો સ્પષ્ટ છે કે પ્રેમની અભિવ્યક્તિ તો ક્ષણે ક્ષણે અને શ્વાસે શ્ર્વાસે સંભવ છે. ઘણીવખત હ્રદયના દરેક ધબકારા પણ આ અભિવ્યક્તિની સાથે પ્રાસ મેળવતા હોય છે અને હા, પ્રેમનું પ્રાગટય કુદરતી અને બિનશરતી હોય છે. તમે ગાઢ જંગલમા ઊગતાં કેસૂડાં પલાશને કદી એમ કહેતો સાંભળ્યો કે તમે રિચાર્જ નહીં કરાવો તો હું નહીં ફૂલુફાલું…અરે પ્રકૃતિ માટે તો શું પૂર્વ શું પશ્ર્ચિમ, શું ઉત્તર શું દક્ષિણ.. એને તો એ જ્યાં છે ત્યાં નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે બસ આપવું છે..

અને આજ ખરા અર્થમાં પ્રેમ છે.. પેલું કાનૂડાનું મોરપીંછ એ રાધાને મન પ્રેમનું સમર્પણ. તો ક્રિષ્નના હોઠે લાગેલી વાંસળી એ ગોપીઓને મન પ્રેમનું પ્રતિક. બસ પ્રેમને તો વહેવું છે.. સતત અહર્નિશ વહીને સાગરમા પોતાના અસ્તિત્વને ઓગાળી એકત્વની પ્રાપ્તિ સાથે પોતાની પહેચાનની પરવા કર્યા વગર એકાકાર થવાની એક સંવેદના જ છે.. સૂર્ય કદી ક્યાં એમ કહે છે કે ભાઈ મારી પ્રસિધ્ધિની જાહેરાત આંતરરાષ્ટ્રીય કક્ષાના વર્તમાન પત્રો કે સામયિકોમાં નહીં કરાવો તો હું આપને પ્રકાશ નહીં આપું..!! ના, એવું નથી એનો ગુણધર્મ અને સ્વધર્મ પ્રકાશિત થવાનો છે.. અંધકારને ઓગાળી ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની બિનશરતી એગ્રીમેન્ટ હેઠળ આ સંપૂર્ણ ધરાતલને સમાન ભાવે પ્રકાશિત કરે છે.. બસ આને જ આપણે પ્રેમ કહી શકીએ..

એ તો અગાધ અને અખૂટ છે… પ્રેમનો આરંભ કે અંત નથી એ તો નિરંતર છે. માટે ચડસાચડસી અને વાદ વિવાદ છોડી આ વસંત પંચમી અને વેલેંટાઈનને સમ્યક્ ભાવે માણવો એ જ તો ખરો પ્રેમ કહેવાય.. બાકી હરિ હરિ.. સૌ સુજ્ઞજનોને વસંત પંચમીના હરખભેર વધામણા અને વેલેંટાઈન ડે ના મૈત્રીભાવના જાજા જુહાર. અને છેલ્લે મૈત્રીભાવનાનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે..!! બસ આ મનોયોગ સાથે ઈશ્ર્વર નિર્મિત તમામ સાથે પ્રેમ પ્રેમ અને પ્રેમનું એવું ઝરણું અહર્નિશ ફૂટે કે ઈશ્વર નિર્મિત તમામ સાથે સ્નેહનો સેતુ અતુટ રહે બાકી પ્રકૃતિએ તો સ્વિત્ઝર્લેન્ડની કે કાશ્મીર કે આફ્રિકાના અગાધ જંગલ કે સાઈબિરીયાના એ શિત પ્રદેશ કે સહારાની ઘગઘગતી રેતી તમામ સ્વરૂપે પોતાનું સૌંદર્ય પાથર્યું છે.. એ સૌંદર્યને માણવું એ જ તો પ્રેમ છે.. પાણી ગંગા જમના કે ઝમઝમનું હોય બસ તેનું આચમન એ નર્મદા મૈયાના આશીર્વાદ સમાન પવિત્ર પ્રેમ.. જો કે પ્રેમ તો હમેશાં પવિત્ર જ હોય છે….

Follow Me:

Related Posts