ગુજરાત

ઇકો ડ્રાઇવરે ૧૮૧ અભયમની મદદથી યુવતીને ઘર સુધી પહોંચાડી,ગાંધીનગરમાં ૨૦ વર્ષીય યુવતી પ્રેમી અને પરિવાર વચ્ચે અસ્થિર થઇ ગઇ

ગાંધીનગરમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ પ્રેમમાં પાગલ થઈને આઇસ્ક્રીમ લેવાના બહાને ઘરને તિલાંજલિ આપી અમદાવાદ તરફ નાસી ગઈ હતી. ત્યારે યુવતી અમદાવાદથી ઈકો ગાડીમાં બેસી જતા ગાડીના ડ્રાઈવરની પણ હાલત કફોડી થઈ ગઈ હોવાનો રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગાંધીનગરમાં રહેતા સુખી-સંપન્ન પરિવારની ૨૦ વર્ષીય કાજલ (નામ બદલેલ છે)ને અભ્યાસ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબધ બંધાઈ ગયો હતો. ઘર પૈસે ટકે સુખી સંપન્ન હોવાથી કાજલની તમામ ફરમાઈસ નાનપણથી જ તેના પિતા દ્વારા પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ નવ યુવાનીના પગથિયાં ચડતી કાજલ એક યુવકના પ્રેમમાં પડી ગઈ હતી.

છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહેલી લોકડાઉન જેવી પરિસ્થિતિના કારણે કાજલનું લગભગ બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું. તો કાજલ મોટાભાગે પોતાના મોબાઈલ ફોન ઉપર સતત વાતો કર્યા કરતી હતી. શરૂઆતમાં તેના પરિવારને લાગ્યું હતું કે, કાજલ તેની બહેનપણી સાથે ગપાટા મારતી લાગે છે. પરંતુ સમય જતાં કાજલની વર્તણૂકમાં પણ બદલાવ આવવા લાગ્યો હતો.

સમગ્ર પરિવારને આ વાતનો ખ્યાલ ના આવ્યો પણ કાજલની માતાને પોતાની દીકરીની વર્તણૂક શંકાસ્પદ લાગવા માંડી હતી. જેનાં ફળશ્રુતિ કાજલનાં પ્રેમ પ્રકરણનો તેની માતા આગળ ભાંડો ફૂટી ગયો હતો. બાદમાંમાં દીકરી વચ્ચે અવારનવાર તકરારો થવા લાગી હતી. યુવક સાથેના લગ્નની વાત સાંભળી તેની માતાએ વિરોધ શરૂ કરી દીધો હતો. આખરે કાજલ આઈસ્ક્રીમ લેવાના બહાને ઘરેથી નીકળીને પ્રેમીને મળવા પહોંચી ગઈ હતી. ઘણી વાર થવા છતાં કાજલ ઘરે પરત ના આવતા પરિવારજનો તેને શોધવા લાગ્યા હતા.

કાજલ પ્રેમીને મળવા માટે અમદાવાદ તરફ જતી રહી હતી તે દરમિયાન તેના પિતાએ તેના મોબાઇલ ઉપર મેસેજ કર્યો હતો કે તારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે અને ગંભીર હાલતમાં છે. જેના કારણે કાજલ અમદાવાદથી ગાંધીનગર તરફ આવતી ઈકો ગાડીમાં બેસી ગઈ હતી. એક પછી એક દરેક પેસેન્જરો ઉતરી ગયા હોવા છતાં કાજલ પ્રેમી અને પરિવાર વચ્ચેની અસમંજસના કારણે વિચારોના વમળમાં ફસાઈ ગઈ હતી અને ગાંધીનગર આવી સુધીના છેલ્લા સ્ટેન્ડ સુધી ઈકો ગાડી આવી ચૂકી હતી, પણ વિચારીમાં પડી ગયેલી કાજલ ઈકોગાડીમાંથી નહીં ઉતરતા ડ્રાઇવર પણ મૂંઝવણમાં મુકાઇ ગયો હતો. વારંવારની પૂછપરછ કરવા છતાં કાજલ કોઈ સંતોષજનક જવાબ આપતી નહીં હોવાથી આખરે હારી કંટાળીને ડ્રાઇવ રે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને ફોન કરીને મદદ માંગી હતી.
જેનાં પગલે ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમના દીપિકા ગામીત સહિતની ટીમ તાબડતોબ દોડી ગઈ હતી. જ્યાં કાજલ માનસિક રીતે અસ્વસ્થ જણાઈ આવતાં ધીમે ધીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેની સઘળી હકીકતો સાંભળ્યા બાદ હેલ્પ લાઈનની ટીમે તેના પરિવારને બોલાવી લીધો હતો. બાદમાં સમગ્ર પરિવારને મહિલા હેલ્પ લાઈન દ્વારા જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આખરે માં અને દીકરી વચ્ચે પ્રેમી બાબતે ચાલતા ઝગડાનો અંત આવ્યો હતો.

Related Posts