ગુજરાત

ઇડરના ગંભીરપુરામાં એક દુકાનમાંથી ૫.૨૪ લાખ મત્તાની ચોરી કરી થયા ફરાર

સાબરકાંઠાના ઈડરના ગંભીરપુરામાં અંબાજી હાઈવે રોડ ઉપર આવેલ ગ્રેબ અ ગ્રબ સર્વિસ નામની દુકાનમાંથી ગોદરેજ કંપનીના દીવાલ સાથે એટેચ કરેલ લોખંડના લોકર સહિત લોકરમાં મુકેલા રોકડ રકમ અને સીસીટીવીના ડીવીઆર મળી રૂપિયા ૫.૨૪ લાખની મત્તાની ચોરી થતાં ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. આ અંગેની વિગત એવી છે કે, રોજ તારીખ ૨૦ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી ૨૦૨૩ના રાત્રિના સમય દરમિયાન ગંભીરપુરા ગામે અંબાજી હાઈવે રોડ ઉપર આવેલ ગ્રેબ અ ગ્રબ સર્વિસ લિમિટેડ નામની દુકાનનું કોઈ અજાણા શખ્સોએ શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

જ્યાં અંદરથી ગોદરેજ કંપનીના લોખંડના લોકર, દીવાલમાં એટેચ કરેલ લોકરમાં મુકેલા રોકડ રકમ રુપિયા ૫ લાખ ૧૬ હજાર ૯૬૬ તથા સીસીટીવીના ડીવીઆરની કિંમત રૂપિયા ૮ હજાર મળી કુલ રૂપિયા ૫ લાખ ૨૪ હજાર ૯૬૬ના મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. દુકાનમાં થયેલા ચોરી અંગે નિરવ ભરતભાઈ નાયીએ ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts