અમરેલી

ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગર ટીમની સાવરકુંડલાના મીતિયાળા ખાતે મુલાકાત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતિયાળા વિસ્તારમાં વારંવાર આવતા ભૂકંપના આંચકા અનુભવાતા હતા. તાજેતરમાં અનુક્રમે તા.૪ ફેબ્રુઆરી, ૨૩ના રોજ છ આંચકાઓ અનુભવાયા હતા તેમાંથી પાંચ આંચકાની તીવ્રતા ૨.૫ મેગ્નીટ્યુડ કરતા ઓછી અને એક આંચકો ૩.૨ મેગ્નીટ્યુડ હોવાનું નોંધાયું છે. તા.૫ ફેબ્રુઆરી, ૨૩ના રોજ ત્રણ અને તા.૬ ફેબ્રુઆરી, ૨૩ના રોજ એક આંચકો આવ્યો હતો, તેની તીવ્રતા ૨.૫ મેગ્નીટ્યુડ કરતા ઓછી હોવાનું નોંધાયું છે. મીતિયાળા વિસ્તારમાં વારંવાર આવતા ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં આ અંગે ભયનો માહોલ હતો.

વધુમાં આ વિસ્તારમાં ભૂકંપના આંચકા વારંવાર આવતા હોય આ અંગેના કારણ જાણવા માટે પણ નાગરિકોને કુતૂહલ હતું. અમરેલી જિલ્લા કલેકટરશ્રી દ્વારા આ અંગે ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, વિજ્ઞાન અને તકનીકી વિભાગ, ગાંધીનગરને આ અંગે પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના વૈજ્ઞાનિક શ્રી શિવમ જોષી અને વૈજ્ઞાનિકશ્રી વિનય દ્વિવેદી તથા તેમની ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.

         મહત્વનું છે કે, આ અગાઉ થોડાં સમય પૂર્વે આ સંસ્થાની ટીમ દ્વારા દ્વારા ભૂકંપના આંચકા આવતા હોય તે વિસ્તારની મુલાકાત લઇ, આ અંગે ભયભીત ન થવા અંગે તેમના દ્વારા સમજણ આપવામાં આવી હતી.ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, વિજ્ઞાન અને તકનીકી વિભાગ, ગાંધીનગરના  ટીમ દ્વારા આ અંગે તપાસ કરવા માટે રુબરુ મુલાકાત લેવામાં આવી હતી. છેલ્લા ૨૦૦ વર્ષ દરમિયાન આવેલા ભૂકંપના આંચકાઓ અંગેનો અભ્યાસ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના આ રસપ્રદ અભ્યાસની વિગતવાર વાતચીત તેમણે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને નાગરિકો સમક્ષ પ્રાથમિક શાળા ખાતે રજૂ કરી હતી.

         ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના વૈજ્ઞાનિક શ્રી શિવમ જોષી અને વૈજ્ઞાનિકશ્રી વિનય દ્વિવેદી તથા તેમની ટીમ દ્વારા મીતિયાળા વિસ્તારમાં વારંવાર આવતા ભૂકંપના આંચકા અનુભવાતા હોય મોટા ભૂકંપની શક્યતાઓ નહીવત હોવાનું જણાવ્યું હતુ. તેમણે વધુમાં કહ્યું કે, ભૂકંપ અંગેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી હોતી.  સ્થાનિક લોકોમાં આ અંગે ભયમુક્ત રહેવા, ભૂકંપના આંચકા સંબંધિત વૈજ્ઞાનિક બાબતો ધ્યાને લેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

        ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ટીમની મુલાકાત વેળાએ, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાએ જણાવ્યુ કે, ભૂકંપના મીતિયાળા વિસ્તારમાં આંચકા અનુભવાતા હોય તે અંગેની વૈજ્ઞાનિક બાબતોથી ગ્રામજનો વાકેફ થાય, જાગૃત્ત થાય તે અંગેની વિગતો દર્શાવતા પેમ્પલેટ્સનું વિતરણ કરવા અને કેમ્પ સહિતના કાર્યક્રમો ગોઠવવા અંગે ઘટતું કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.

      આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભૂકંપના આંચકા અનુભવાતા હોય તેવા સંજોગોમાં ગ્રામ્ય સ્તરે શું કરી શકાય, સાવધાની માટે શું પગલાઓ ભરી શકાય તે માટે તાલીમ વ્યવસ્થા આયોજન કરવા વિશે તેમણે સૂચનાઓ આપી હતી.  ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ટીમ દ્વારા નાગરિકોને તકેદારીના ભાગરુપે સાવધાની માટે શું-શું પગલાઓ ભરવાના હોય છે અને કઇ બાબતોને અવગણવાની રહે છે તે અનુસરવા અપીલ કરી હતી.આ મુલાકાત દરમિયાન સાવરકુંડલા-લીલીયા પ્રાંત અધિકારીશ્રી, સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રી, સાવરકુંડલા તાલુકા પંચાયત સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રી અને મીતિયાળાના ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts