ગુજરાત

ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન બાદ હવે ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. તેનું કારણ એ છે કે પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સર્મથિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ઉમેદવારી કરી છે. ઇફ્‌કો ડિરેક્ટરની ચૂંટણી માટે (આજે) ૯મી મેના રોજ મતદાન થશે.

જયેશ રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં ઇફ્‌કો ડિરેક્ટરની ચૂંટણીને લઇને વધુ ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે જ્યારે બિપીન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સર્મથિત વિજય ઝટકિયાએ ઈફ્‌કો ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ અમુક યોગ્ય કારણોસર તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.

આ ચૂંટણીમાં કુલ ૧૮૨ મતદારો છે. આમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં ૬૮ મત છે. ભાજપના સમર્થનથી ચૂંટણી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની જીત થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. ભાજપના ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં આ ઇફ્‌કો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ઉર્ફે બિપીન ગોતા ચૂંટણી જીતે તો તેઓ ઇફ્‌કોના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્‌કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું ખૂબ વર્ચસ્વ છે.

આવી સ્થિતિમાં ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ બની છે. આવી સ્થિતિમાં ભાજપના મતોમાં વિભાજન થઈ શકે તેવી ચર્ચા છે. આ ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો છે જેમાં જયેશ રાદડિયા, પંકજ પટેલ અને બિપિન પટેલના નામ સામેલ છે.

Related Posts