fbpx
રાષ્ટ્રીય

ઇરાકમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં ભીષણ આગથી ૬૪ લોકોના મોત.

દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ, હોસ્પિટલના સિક્યોરિટી મેનેજરોને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવાના આદેશ અપાયા

ઇરાકના દક્ષિણ શહેર નસીરિયાની અલ-હુસૈન કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં ૨ આરોગ્યકર્મચારી સહિત ૬૪ લોકોનાં મોત નીપજ્યાં અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવામાં આવી છે. કોવિડ વોર્ડમાં ઓક્સિજન-ટેન્કમાં વિસ્ફોટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ ઘટના બાદ વડાપ્રધાન મુસ્તફા અલ-કદમીએ વરિષ્ઠ પ્રધાનોની બેઠક બોલાવી છે, જેમાં નસીરિયા હોસ્પિટલના સિક્યોરિટી મેનેજરોને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

અકસ્માત દરમિયાન આરોગ્યકર્મચારીઓએ કોવિડ હોસ્પિટલમાંથી સળગતા મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે ધુમાડાને કારણે ઘણા દર્દીઓ ઉધરસ ખાતા હતા. આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેથી આગ લાગવાનું કારણ જાણી શકાય. ઘણા લોકો લાપતા થયા હોવાનું જણાવાયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્વાસ્થ્ય કર્મચારીઓએ સળગી રહેલી હોસ્પિટલમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા અને અનેક દર્દીઓ ધૂમાડાના કારણે ખાંસી રહ્યા હતા. નાસિરિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ અલ-હુસૈન કોરોના વાયરસ હોસ્પિટલમાં રાહત અને બચાવ અભિયાન ચાલુ હતું પરંતુ ભારે ધૂમાડાના કારણે કેટલાક વોર્ડમાં પ્રવેશ કરવો જ મુશ્કેલ બની ગયો હતો.

પ્રારંભિક પોલીસ રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલના કોવિડ ૧૯ વોર્ડની અંદર એક ઓક્સિજન ટેન્ક ફાટવાના કારણે આ આગ લાગી હતી. હોસ્પિટલના ગાર્ડ અલી મુહસિને જણાવ્યું કે, તેણે કોવિડ વોર્ડની અંદર એક મોટો વિસ્ફોટ સાંભળ્યો હતો અને પછી આગ ખૂબ જ ઝડપથી ભડકી ઉઠી હતી.

એપ્રિલની શરૂઆતમાં બગદાદની કોરોના હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ૮૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૧૧૦ લોકો ઘાયલ થયા હતા. યુદ્ધ અને પ્રતિબંધો દ્વારા પહેલેથી જ નષ્ટ થઈ ચૂકેલા ઇરાકના આરોગ્ય વિભાગને કોરોના વાયરસ સામે લડવા માટે પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં અત્યારસુધીમાં આ મહામારીને કારણે ૧૪.૩૮ લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે૧૭,૫૯૨ લોકો મૃત્યુ પામ્યા છે.

Follow Me:

Related Posts