fbpx
રાષ્ટ્રીય

ઈઝરાયલ અને હમાસનું યુદ્ધ સાડા ત્રણ મહિના પછી પણ હજુ અટકતું જ નથી

હમાસની હરકતે ગાઝાના ૨૫ હજાર લોકોના જીવ લઇ લીધા ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ત્રણ મહિનાથી વધુ સમય થયો છે. યુદ્ધમાં હજુ પણ બંને તરફે લોકોના જીવ હોમાઈ રહ્યા છે. ૨૬ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતા યુદ્ધ ક્યારે અટકશે તે કોઈને ખબર નથી. ઈઝરાયલે હમાસ સમક્ષ યુદ્ધવિરામનો શરતી પ્રસ્તાવ પણ મૂક્યો, જાે કે તે જ સમયે હમાસ તરફથી ઈઝરાયલની સેનાને અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે…જેના પરિણામે યુદ્ધવિરામની શક્યતા ધૂંધળી બની છે..ઉલટું યુદ્ધ વધુ ભડકી ઉઠે તેના ભણકારા વાગી રહ્યા છે. હમાસના ખાત્માના નિર્ધાર સાથે યુદ્ધ લડી રહેલું ઈઝરાયલ યુદ્ધ પૂરું કરવાના મૂડમાં નથી.

આ દરમિયાન ઈઝરાયલે હમાસ સમક્ષ ફરી એક વાર યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈઝરાયલે હમાસને પ્રસ્તાવ મોકલ્યો છે કે જાે હમાસ તેના તમામ બંધકોને મુક્ત કરી દેશે તો ગાઝા પર આગામી બે મહિના સુધી કોઈ હુમલા નહીં કરાય. ઈઝરાયલે કતાર અને ઈજિપ્તના માધ્યમથી હમાસને આ પ્રસ્તાવ મોકલ્યો છે. જાે કે હમાસ તરફથી આ અંગે હજુ કોઈ જવાબ નથી આવ્યો. ઈઝરાયલનો દાવો છે કે તેના ૧૩૭ નાગરિકો હજુ પણ હમાસના કબ્જામાં છે, જેમાં ૧૧૫ પુરુષો, ૨૦ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ અગાઉ ૨૪થી ૩૦ નવેમ્બર સુધી બંને પક્ષે યુદ્ધવિરામ સમજૂતી થઈ હતી. આ માટેની શરત પ્રમાણે હમાસે ઈઝરાલયના ૧૦૦થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા.

તો ઈઝરાયલે હમાસના ૨૪૦ કેદીઓને છોડવા પડ્યા હતા. યુદ્ધવિરામ પૂર્ણ થતાં જ ઈઝરાયલે ફરી ગાઝા પર હુમલા શરૂ કરીને હમાસને ટાર્ગેટ કર્યું હતું…જેનું પરિણામ છે આ દ્રશ્યો, સમગ્ર ગાઝા અત્યારે કાટમાળના ઢગમાં તબ્દીલ થઈ ગયું છે. હમાસે ઈઝરાયલના નાગરિકોના કરેલા અપહરણની સજા ગાઝાના ૨૩ લાખ લોકો ભોગવી રહ્યા છે. યુદ્ધમાં ગાઝાનો દરેક પરિવાર વિસ્થાપિત થઈ ચૂક્યો છે. જ્યારે ઈઝરાયલમાં પાંચ લાખ લોકો વિસ્થાપિત થયા છે. ૭મી ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી ૨૫ હજાર ૨૯૫ જેટલા પેલેસ્ટાઈનીઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં ૧૦ હજાર બાળકો અને સાત હજાર મહિલાઓનો સમાવેશ થાય છે. સાત હજારથી વધુ લોકો લાપતા છે,

જ્યારે ૬૩ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો સામે ઈઝરાયલના પક્ષે એક હજાર ૪૩૬ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ૨૨૦ જેટલા સૈનિકોનો સમાવેશ થાય છે. જ્યારે આઠ હજાર ૭૮૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલની સેના અત્યારે ગાઝા પટ્ટીમાં ફરી રહી છે અને હમાસના ટનલ નેટવર્કને શોધીને ધ્વસ્ત કરી રહી છે. દ્રશ્યોમાં જાેઈ શકાય છે તે હમાસની ટનલ ૮૩૦ મીટર લાંબી અને જમીનમાં ૨૦ મીટર ઉંડાણમાં છે. તેનો ઉપયોગ હમાસના આતંકીઓ છૂપાવા માટે અને બંધકોને સંતાડવા માટે કરતા હતા. આવી અનેક ટનલ ઈઝરાલયની સેનાએ શોધી કાઢી છે. ઈઝરાલય તરફથી મરણતોલ ફટકો પડ્યો હોવા છતા હમાસ હાર માનવાનું નામ નથી લેતું. આ દરમિયાન ઈઝરાયલની સેનાને યુદ્ધમાં અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે.

સેના જ્યારે સરહદ પાસે હમાસના ઠેકાણા ધ્વસ્ત કરી રહી હતી, ત્યારે ગ્રેનેડથી કરાયેલા વિસ્ફોટમાં હુમલામાં ઈઝરાયલના ૨૪ સૈનિકોના મૃત્યુ થયા છે. આ નુકસાન બાદ ઈઝરાયલ પોતાની સીઝફાયરની ઓફર પડતી મૂકે તેવી શક્યતા છે. કેમકે પ્રધાનમંત્રી નેતનયાહૂએ સંપૂર્ણ વિજય સુધી યુદ્ધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. એટલે કે નજીકના સમયમાં યુદ્ધનો અંત નહીં આવે.

Follow Me:

Related Posts