ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં અચાનક મુશળધાર વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા છે અને ૭ લોકો ગુમ થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. વરસાદને કારણે સર્વત્ર તારાજી સર્જાઈ છે. અચાનક મુશળધાર વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો, જેના કારણે અચાનક પૂર આવ્યું હતું. પૂર અને ભૂસ્ખલનથી પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં પેસીસિર સેલાટન રીજન્સીને અસર થઈ છે, લગભગ ૪૬,૦૦૦ લોકો બેઘર થયા છે, તમામ બેઘર લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લેવાની ફરજ પડી છે.
પેસીસિર સેલાટનની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના ચીફ ડોની યૂસરિજાલે જણાવ્યું હતું કે, મોડી રાત્રે ટન માટી, ખડકો અને ઉખડી ગયેલા વૃક્ષો એક પહાડ નીચે અને નદીમાં ઘૂસી ગયા હતા.ત્યારબાદ અનેક કાંઠા તૂટ્યા હતા અને પશ્ચિમ સુમાત્રા પ્રાંતના પેસિસિર સેલાટન જિલ્લામાં એક પર્વત તૂટી પડ્યો હતો. ગામડાઓમાં પૂર આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ખરાબ હવામાનને કારણે ૨ લોકો ઘાયલ થયા છે અને લગભગ ૭ લોકો ગુમ થઈ ગયા છે, જેમને શોધવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇન્ડોનેશિયાના ટાપુ જાવાના ઉત્તરી કિનારે આવેલ બંદર શહેર સિરેબોન પૂર અને ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. સિરેબોનમાં ૩૬ ગામો પ્રભાવિત છે, જેમાં લગભગ ૮૩ હજાર લોકો બેઘર થઈ ગયા છે. લાંબા સમય સુધી મુશળધાર વરસાદને કારણે દ્વીપસમૂહ દેશના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ દુર્ઘટનામાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેની સાથે પૂરના પાણીમાં અનેક ઘરો ધોવાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે ગેમ બોંગ ગામ, કંડંગસેરાંગ ડિસ્ટ્રિક્ટ, પેકાલોંગન રીજન્સી, સેન્ટ્રલ જાવા, ઇન્ડોનેશિયા પાસે ગંભીર પૂર અને અત્યંત જાેખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે અમારે અવરજવરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂરના પાણીના જાેરદાર પ્રવાહને કારણે રસ્તાઓ પર અટવાયેલા નાના-મોટા વાહનો પાણીના વહેણ સાથે વિસ્થાપિત થયા છે. ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૧૪ મકાનો દટાયા હતા, ૨૦ હજારથી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા હતા અને આઠ પુલ ધરાશાયી થયા હતા. ઇન્ડોનેશિયામાં વરસાદની મોસમમાં ઘણીવાર ભૂસ્ખલનની શક્યતા રહે છે અને આવી અચાનક આફતનું સૌથી મહત્વનું કારણ ઘણી જગ્યાએ જંગલોની કાપણી છે, જેના પછી આપણે હવામાનની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. કાર્યકારી ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકરો પૂરથી કપાયેલા લોકો સુધી પહોંચવા માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે. ૮ માર્ચ અને ૯ માર્ચના રોજ સિસાંગરુંગ નદીના વહેણને કારણે ત્રણ લોકોના મોત થયા હતા.
Recent Comments