રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના કન્નૌજ જિલ્લામાં એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને પત્ર લખતા મામલો ગરમાયો

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં એક શાળાના શિક્ષકે ધો.૮ની વિદ્યાર્થીને પત્ર લખતા મામલો ગરમાયો છે. આ પત્રમાં શિક્ષકે વિદ્યાર્થીની માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને એકલી મળવા આવવા કહ્યું હતું. આ ૧૨ લીટીના પ્રેમ પત્રને વાંચ્યા બાદ તેને ફાડીને ફેંકી દેવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. જાેકે, આ બાબતે વિદ્યાર્થીનીએ તેના માતાપિતાને ફરિયાદ કરતાં ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટના કન્નૌજ જિલ્લાના સદર કોતવાલી ગામમાં બની છે. પ્રેમ પત્રમાં શું લખ્યું શિક્ષકે?.. પત્રમાં શિક્ષકે કથિત રીતે લખ્યું છે કે, પોતે તેને ખૂબ પ્રેમ કરે છે અને વેકેશનના સમયગાળા દરમિયાન તેને ખૂબ યાદ કરશે. કથિત રીતે શિક્ષતે વિદ્યાર્થીનીને જ્યારે- જ્યારે શક્ય હોય ત્યારે તેને ફોન કરવા પણ કહ્યું હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, શિક્ષકે વિદ્યાર્થીનીને વેકેશન પહેલા મળવા માટે કહ્યું હતું. મળતી માહિતી અનુસાર પત્રમાં તેની સાથે લગ્ન કરવા માંગતો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ પત્ર ૩૦ ડિસેમ્બરે ધોરણ ૮મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આપવામાં આવ્યો હતો. છાત્રા સ્થાનિક જુનિયર હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે અને ૪૭ વર્ષીય હરિઓમ સિંઘ નામના શિક્ષક તેના પર નજર રાખે છે. વિદ્યાર્થિનીના પિતાના જણાવ્યા મુજબ, પત્રમાં શિક્ષકે તેમની દીકરીને એકલામાં મળવા આવવાનું કહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમની પુત્રીએ ઘટના વિશે વાત કર્યા પછી તેણે શિક્ષકને ફોન કર્યો હતો. શિક્ષકે ધમકી આપતા કહ્યું કે, તેઓ બળજબરીથી તેની સાથે આવુ કરી શકે નહીં અને જાે તે લોકો નહીં માને અથવા વધુ હેરાન કરશે તો તે સગીર વિદ્યાર્થીનીનુ અપહરણ કરશે. આ સાથે જ શિક્ષકે વિદ્યાર્થીનીના પિતા સાથે ફોનમાં દુર્વ્યવહાર પણ કર્યો હતો.

વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું છે કે શિક્ષક અજાણ્યા નંબરોથી ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. પરિવારજનોએ શિક્ષક સામે તેમની પુત્રીની છેડતીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વાત કરતા કન્નૌજના એસપી કુંવર અનુપમ સિંહે કહ્યું કે, ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ માટે ટીમની રચના કરી છે. તેમણે કહ્યું કે શિક્ષક સામે ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન કન્નૌજ શિક્ષક સંઘના પ્રમુખ અનુપ મિશ્રાએ કહ્યું કે, જાે તે શિક્ષક દોષિત સાબિત થશે તો તેની સામે સખત સજાની માંગ કરવામાં આવશે.

Related Posts