રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં રાજકીય હલચલઃ વડાપ્રધાન મોદીને મળ્યા યોગી

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને પગલે અત્યારે લખનઉથી લઇને દિલ્હી સુધી રાજકિય હલચલ વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળના વિસ્તાર અને સંગઠનમાં ફેરફાર તેમજ યોગી અને મોદી વચ્ચે ઘર્ષણની વાતો વચ્ચે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્ચે વડાપ્રધાન આવાસ પર દોઢ કલાક લાંબી બેઠક ચાલી.

જાણવા મળતી માહિતિ પ્રમાણે આ બેઠકની અંદર યોગીએ વડાપ્રધાનને પોતાની સરકારના ચાર વર્ષના કામનો રિપોર્ટ આપ્યો છે. આ સાથે જ બંને વચ્ચે યુપી કેબિનેટના વિસ્તારને લઇને પણ ચર્ચા થઇ છે. સાથે જ આગામી વિધાનસભા ચૂંટણી અંગે પણ વાતચીત થઇ. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ યોગી આદિત્યનાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા.

વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ યોગી આદિત્યનાથે ટિ્‌વટ કરી કે જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત કરી અને માર્ગદર્શન પ્રાપ્તિનું સૌભાગ્ય મળ્યું. પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી મુલાકાત માટેનો સમય આપવા બદલ અને આત્મીય માર્ગદર્શન કરવા માટે આદરણીય વડાપ્રધાનનો આભાર.

આ પહેલા ગઇ કાલે એટલે કે ગુરુવારે યોગી આદિત્યનાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યોગીની વડાપ્રધાન સાથેની મુલાકાત પહેલા જેપી નડ્ડા અને નરેન્દ્ર મોદી વચ્ચે ઉત્તર પ્રદેશ ચૂંટણી, સંગઠન, કેબિનેટના વિસ્તારને લઇને લાંબી ચર્ચા થઇ હતી.

Related Posts