રાજ્યમાં આગામી તા.૧૪ જાન્યુઆરીએ હર્ષોલ્લાસથી ઉત્તરાયણના પર્વની ઉજવણી થવાની છે. ઉત્તરાયણના પર્વે દરમિયાન ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં ૯,૦૦૦થી પણ વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમાં આશરે ૭૫૦ પક્ષીઓનું મૃત્યુ પણ થયું હતું. ઉત્તરાયણ પર્વને સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ, પરંતુ જો આપણે સૌ મળીને કેટલીક નાની બાબતો ઉપર ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓનો જીવ બચી શકે છે. વન વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને પતંગની દોરીથી બચાવવા માટે નાગરિકો માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. આ સૂચનાઓનું પાલન કરવાથી તહેવારનો આનંદ પણ માણી શકાય છે અને પક્ષીઓના જીવ પણ બચાવી શકાય છે. પક્ષીઓના વિહરવાનો સમય વહેલી સવારે અને સાંજે હોય છે. ઉત્સવપ્રેમી જનતાએ પતંગ સવારે ૦૯ વાગ્યા પહેલા અને સાંજે ૦૫ વાગ્યા પછી ન ઉડાવવો જોઈએ.
પતંગ ઉડાડવા ચાઈનીઝ તથા કાચની દોરીનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ન કરવો જોઈએ. કોઇપણ વ્યક્તિ જો ચાઈનીઝ દોરી વેચતો માલૂમ પડે તો પોલીસ અથવા વન વિભાગને જાણ કરીએ. જો કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. ઘાયલ પક્ષીઓની સારવાર માટે પ્રતિવર્ષ એક હેલ્પલાઈન શરુ કરવામાં આવે છે. જો કોઈ પક્ષી ઘાયલ જણાય તો તેની સારવાર કરવા માટે હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર “Karuna” વોટ્સઅપ કરીને મદદ મેળવી શકાય છે. https://bit.ly/karunaabhiyan લિંક પર ક્લિક કરીને પણ મદદ મેળવી શકાય છે, તેમ નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ, અમરેલીએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments