સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ૨૧મા તબક્કાનો હર્ષભેર શુભારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીની પ્લોટ પ્રાથમિક શાળા, શેડુભાર ગ્રામ શાળા અને જનતા વિદ્યાલયનો સંયુક્ત કાર્યક્રમ શેડુભાર ગામ ખાતે યોજાયો હતો. બાલવાટિકામાં ૧૨ કુમાર, ૧૧ કન્યા સહિત ૨૩ ભૂલકાંઓને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ધો. ૧માં ૧૧ કુમાર, ૨૩ કન્યા સહિત ૩૪ બાળકોનું નામાંકન દાખલ કરવામાં આવ્યું હતું. ધો.૯માં કુમાર અને કન્યા સહિત ૨૯ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માધ્યમિક શાળાની ૩૧ દીકરીઓને ‘નમો લક્ષ્મી‘ પ્રોત્સાહન યોજના અંતર્ગત લાભનું વિતરણ, પ્રવેશપાત્ર ભૂલકાઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાકીય શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ સાથે શાળામાં રોકડ રકમ દાન કરનાર દાતાશ્રીઓનું શિલ્ડ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૯ અને ધોરણ ૧૧માં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
મોણપુર પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા પ્રવેશપાત્ર કુમાર ૫ અને કન્યા ૧૧ સહિત ૧૬ ભૂલકાંઓને હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો. બાલવાટિકામાં પા પા પગલી માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોણપુર પ્રાથમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, ગુજરાતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થયો છે. ગુજરાત સરકારની શૈક્ષણિક યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે.
રાજ્યમાં નાના બાળકોના બાલવાટિકા શિક્ષણથી માંડીને ઉચ્ચર શિક્ષણ સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે ઉપરાંત છેવાડાના નાગરિકોને, બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને ડ્રોપ આઉટ દરને ઝડપી રીતે ઘટાડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં આ એક સરાહનીય પ્રયાસ છે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ જનતા વિદ્યાલય, શેડુભાર અને મોણપુર પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ વાળા, તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેનશ્રી, અમરેલી તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચ શ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, બાળકો અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments