રાષ્ટ્રીય

ઉ.પ્રદેશમાં ભાજપ સરકારને ૪ વર્ષ પૂર્ણઃ મુખ્યમંત્રીએ જનતાને પત્ર લખ્યો

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે શુક્રવારે પોતાના કાર્યકાળના ૪ વર્ષ પૂર્ણ કર્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશની જનતાને ઉદ્દેશીને એક ચિઠ્ઠી લખી છે જેમાં પાછલા ૪ વર્ષની ઉપલબ્ધિને ગણાવવામાં આવી છે. યોગી આદિત્યનાથે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની એક કવિતા દ્વારા પોતાના પત્રની શરૂઆત કરી હતી.

પોતાની ઉપલબ્ધિઓ ગણાવતી વખતે યોગી આદિત્યનાથે પ્રદેશમાં ચાલી રહેલા વિકાસના કાર્યો, રામ મંદિરનું નિર્માણ, શેરડીના ખેડૂતોને ચુકવણું અને ૫ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને સામે રાખ્યા છે. ઉપરાંત તેમણે છેલ્લા એક વર્ષમાં કોરોનાના પડકારનો સામનો કઈ રીતે કરવામાં આવ્યો તેનો ઉલ્લેખ પણ કર્યો છે. યોગી આદિત્યનાથે પોતાના લેખને ‘નવા ભારતનો નવો ઉત્તર પ્રદેશ’ એવું શીર્ષક આપ્યું હતું અને અટલજીની કવિતા ‘કદમ મિલાકર ચલના હોગા’થી પત્રની શરૂઆત કરી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પત્રમાં પ્રદેશમાં બની રહેલા એક્સપ્રેસ-વેના નેટવર્ક, કરોડો લોકોને આપવામાં આવેલા વીજ કનેક્શન, ડિફેન્સ કોરિડોર અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના લિસ્ટમાં યુપીનો બીજાે નંબર આવ્યો તેનો ઉલ્લેખ કરીને તેને સરકારની ઉપલબ્ધિ ગણાવી હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે, પ્રદેશમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની જ્યોતિ પ્રજ્વલિત થઈ છે, તેમણે અયોધ્યામાં રામ મંદિર, દીપ દિપાવલી, વ્રજ રંગોત્સવ સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો હતો. તે સમયે ભાજપ કોઈ ચહેરા સાથે મેદાનમાં નહોતુ ઉતર્યું પરંતુ જ્યારે ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો બધા ચોંકી ઉઠ્યા હતા.

Related Posts