ગુજરાત

એએમસીના વિપક્ષના નેતાને બીઆરટીએસ બોર્ડમાંથી દૂર કરી દેવાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. વિપક્ષ કોંગ્રેસના એકપણ સભ્યોને સ્ટેન્ડીંગ કમિટી સહિત અન્ય ૧૨ કમિટીઓમાં ન સમાવવા મામલે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે અન્ય કોર્પોરેટરો સાથે ગુરુવારે સ્ટેન્ડીંગ કમિટી પહેલા ભાજપના સભ્યોને ફૂલ આપી અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કમિટીમાં સમાવવાની માગના ગેટ વેલ સુન કાર્યક્રમના થોડા સમયમાં વિપક્ષના નેતાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બીઆરટીએસ બોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.

વિપક્ષના નેતાની સ્થાને ડેપ્યુટી મેયરનો ભાજપે સમાવેશ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ કોંગ્રેસ ઉગ્ર વિરોધ ન કરે તેના માટે તાકીદમાં કામ લાવી મંજુર કરી દીધું છે. એકતરફ કોંગ્રેસ પોતાને સમાવવા માટે આંદોલન કરવાની વાત કરી ને ભાજપે સમાવેશ નહીં પરંતુ દૂર કરવાનો મક્કમ ર્નિણય લઈ લીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોદ્દાની રૂએ વિપક્ષના નેતાનો બીઆરટીએસ અને રિવરફ્રન્ટ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે છે. કોંગ્રેસના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણે તમામ કમીટીઓમાં વિપક્ષના સમાવેશ કરવાની ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટિ પહેલા ચેરમેન હિતેશ બારોટ, મેયર કિરીટ પરમારને ગુલાબના ફૂલ આપ્યા હતા. જાે કે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે કોંગ્રેસના કોર્પોરેટરોને સમાવેશ કરવાની વાત તો દૂર તેમના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણને જ બીઆરટીએસ બોર્ડમાંથી દૂર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે બહાર વિરોધ કર્યો પરંતુ તેમને તાકીદમાં પોતાને જ એક બોર્ડમાંથી સભ્ય તરીકે દૂર કરવામાં આવશે તેવા તાકીદના કામ મંજુર માટે લાવવામાં આવ્યા છે તેની ગંધ પણ આવી ન હતી.

વિપક્ષના નેતાને દૂર કરી તેમના સ્થાને ડેપ્યુટી મેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાે કે વિપક્ષના નેતાને ક્યાં કારણોસર દૂર કરાયા છે તેની કોઈ માહિતી કે કારણ જાહેર કરાયું નથી. ભવિષ્યમાં નાગરિકોને મુસાફરી કરવામાં સરળતા રહે તે માટે જનમાર્ગ સેવાઓનું “મેટ્રો રેલ”, “ઈ-રીક્ષા” તથા માય બાઈક જેવી સેવાઓ સાથે ઈન્ટીગ્રેશન કરવું જરૂરી છે જેના માટે ઝડપથી ર્નિણય થઈ શકે તે માટે બીઆરટીએસ બોર્ડ ઓફ ડીરેક્ટરના માળખામાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના કારણો જાહેર થયા છે. બીઆરટીએસ બોર્ડના ચેરમેન તરીકે મ્યુનિસિપલ કમિશનર, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના ડિરેક્ટર રાજ્ય સરકારના બે પ્રતિનિધિ તરીકે નાણાંવિભાગ અને સ્ટેટ અર્બન ડેવલપમેન્ટના પ્રિસિપલ સેકેટ્રરી નિષ્ણાંતો તરીકે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બે સભ્યો રહેશે.સભ્યોમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મ્યુનિ.કમિશનર (બીઆરટીએસ), એએમટીએસ ચેરમેન, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઔડા) વગેરેને યથાવત રાખવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts